
ગાંધીનગર શહેરના મહાત્મા મંદિર નજીક એક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બેફામ ગતિએ આવતા એક ટ્રકે ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક સાથે ફરાર થઈ ગયો હતો.
આ હિટ એન્ડ રનમાં ગાંધીનગર કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રાઠોડનું મોત થયું છે. તેઓ એક્ટિવા લઈને મહાત્મા મંદિર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ટ્રકે તેમને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે દિનેશભાઈ રોડ પર પટકાયા અને ટ્રકનું ટાયર તેમના માથા પરથી ફરી વળ્યું હતું.જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે. બનાવની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કરવાની કામગીરી શરૂ કરી છે અને ફરાર ટ્રક ચાલકને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.