
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે જ 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે.દાસે જણાવ્યું હતું કે હાલમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સાથે બંગાળની ખાડીમાં 25 સપ્ટેમ્બર બાદ લો પ્રેશર સર્જાવાની સંભાવના છે, જેના કારણે 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પ્રથમ નોરતાની રાત્રે વલસાડ અને ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડમાં ચાલુ વરસાદે પણ ખેલૈયાઓ ગરબાની મોજ માણતા જોવા મળ્યા. ડાંગમાં વહેલી સવારે 4થી 12 વાગ્યા સુધીમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે રાજ્યમાं 28મી સપ્ટેમ્બર સુધી છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજદિન સુધીમાં સિઝનનો સરેરાશ 111 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 136 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 119 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 117 ટકા, પૂર્વમધ્ય ગુજરાત ઝોનમાં 113 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર ઝોનમાં 95.70 ટકા વરસાદ વરસ્યો છે.