સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી-વાલીઓના સૂત્રોચ્ચાર ઃ એક મહિનાથી ઓફલાઈન શિક્ષણની જગ્યાએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે

Spread the love

 

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થડે સ્કૂલમાં સામાન્ય બાબતમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને એક મહિના કરતા વધુ સમય વિતી ચૂક્યો છે. શાળામાં સુરક્ષા કારણોસર છેલ્લા એક મહિનાથી ઓફલાઈન શિક્ષણની જગ્યાએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે. ત્યારે આજે વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા પર પહોંચી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માગ કરી હતી. વાલીએ કહ્યું હતું કે, જે માતાપિતાના એકથી વધુ સંતાનો આ શાળામાં ભણે છે તેઓે માટે મોબાઈલ અને નેટની વ્યવસ્થા કઈ રીતે કરવી? મોબાઈલ પર સતત રહેવાના કારણે બાળકોની આંખો પણ બગડી રહી છે. શાળાના બાળકો આજે હાથમાં પુસ્તકોના બદલે સ્કૂલ બહાર પોસ્ટર સાથે જોવા મળ્યા હતા. હાલ સેવન્થ ડે સ્કૂલની સુરક્ષાનો મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હોય વાલીઓએ કહ્યું હતું કે, ડીઈઓ સાહેબ તમે કોર્ટમાં લડતા રહો પહેલા અમારી શાળા શરૂ કરો. જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું હતું કે, શાળાની સુરક્ષા માટે કમિટી નિમવામાં આવી છે જેના રિપોર્ટ બાદ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય કરાશે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળાને બંધ કરી દેવામાં આવી છે. હત્યાની ઘટના બાદ અત્યાર સુધી શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે તે માટે ઓનલાઈન જ અભ્યાસ આપવામાં આવી રહ્યો છે. જેથી ઓનલાઇન અભ્યાસ બંધ કરી ઓફલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે. સેવન્થ ડે સ્કૂલ ફરી શરૂ કરવા અને ઑફલાઇન અભ્યાસ શરૂ કરવા માટે વાલીઓ DEO કચેરી પહોંચ્યા હતા. બોયકોટ ઓનલાઈન શિક્ષણના બેનર સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ સેવન્થ ડે સ્કૂલ ફરી કરવામાં આવે તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓએ DEO સમક્ષ માંગ કરી છે.
સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે વાલીઓએ થોડા સમય પહેલા પણ DEO સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ તે બાદ શાળા ફરી શરૂ કરવા અંગે કોઈ નિર્ણય ના લેવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ આજે ફરી એક વખત DEO કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આજે વાલીઓ અને વિદ્યાર્થીઓએ DEO કચેરી ખાતે ઓનલાઈન શિક્ષણને લઈને વિરોધ નોંધાવ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ બોયકોટ ઓનલાઈન ક્લાસના બેનર સાથે ઓપન સ્કૂલના નારા લગાવ્યા છે. તેમજ અમદાવાદ શહેર DEO સમક્ષ શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.
પંકજ ગોયલ નામના વાલીએ જણાવ્યું છે કે, અગાઉ પણ DEO પાસે ઓફલાઇન શિક્ષણ શરૂ માટે રજૂઆત કરી હતી. DEOએ કહ્યું હતું કે, અમુક મુદ્દાઓને લઈને શાળાએ હજુ પણ શરૂ થાય તેવી શક્યતા નથી. DEOએ આપેલા મુદ્દાઓને લઈને શાળામાં જઈને અમે તપાસ કરી છે. શાળામાં જઈને તપાસ કરતા એમ્બ્યુલન્સ, એડિશનલ સીસીટીવી, એડિશનલ સિક્યુરિટી આ બધું અમારા તરફથી શાળામાં યોગ્ય જોવા મળ્યું છે. સેફ્ટી અને સિક્યુટરી માત્ર સેવન્થ ડે સ્કૂલ માટે જ છે કે પછી આખા ગુજરાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ છે. જો તમામ વિધાર્થીઓની ચિંતા હોય તો તમામ શાળાઓ બંધ કરીને જે નિયમ સેવન્થ ડે સ્કૂલ માટે રાખ્યા છે તે નિયમોની શાળાઓમાં તપાસ થવી જોઈએ. જો શાળાઓ નિયમોનું પાલન કરતી હોય તો જ શરૂ કરવાની પરવાનગી આપવી જોઈએ. જો સેવન્થ ડે સ્કૂલ નિયમોનું પાલન નથી કરતી તો અમને એક કિલોમીટરના એરિયામાં સરખી ફી સાથે ICSE શાળાનો ઓપ્શન આપવામાં આવે તો અમે બધા વાલીઓ તે શાળામાં જવા માટે તૈયાર છીએ. DEO સાહેબને અમારી વિનંતી છે કે જો લીગલ મુદ્દો હોય તો DEO સાહેબ તમે કોર્ટમાં લડતા રહો પરંતુ અમારી શાળા શરૂ કરવામાં તે જ અમારી માંગ છે.
પંકજ ગોયલ નામના વાલીએ વધુમાં જણાવ્યું છે કે, ઓનલાઇન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓની આંખો પર તેની અસર પડે છે. જે ઘરમાં ત્રણ બાળકો છે તે તમામ બાળકો પાસે મોબાઈલ, ઈન્ટનેટ ડેટા અને વાઇફાઇ ના હોય શકે. સેવન્થ ડે સ્કૂલમાં આર્થિક રીતે માધ્યમ વર્ગના બાળકો પણ અભ્યાસ કરે છે. જેથી તમામ વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ માટે મોબાઈલ આપી શકે તેવી ક્ષમતા ના હોય. તેમજ નોકરી કરતા વાલીઓ પોતાના મોબાઈલ ઘરે મૂકીને નોકરી માટે જઈ શકે નહીં. કોરોના સમયમાં જેવી વ્યથા અમારી હતી તેવી ઘરમાં રહીને વ્યથા અત્યારે વિદ્યાર્થીઓની થઈ ગઈ છે.
અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું છે કે, સેવન્થ ડે સ્કૂલમાં જે પ્રમાણે ઘટના બની તે બાદ અમારી સતત તપાસ ચાલી રહી છે. પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય તે બાબતે પણ સરકાર ચિંતિત છે પરંતુ બાળકોની સલામતી પ્રાથમિકતા છે. નામદાર હાઇકોર્ટના આદેશ બાદ સમિતિ પણ બનાવવામાં આવી છે. તેમજ આ સમિતિમાં મૃતક નયનના પિતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સલામતીને ધ્યાનમાં રાખીને ઘણા બધા સુધારા કરાયા હોવાનું શાળા દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું છે. જે બાદ સમિતિને ચકાસણી કરવા માટે મોકલવામાં આવી છે જેનો રિપોર્ટ પણ આજે સબમીટ કરવામાં આવશે. આવતીકાલે નામદાર હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન તે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇ સરકાર ચોક્કસથી યોગ્ય નિર્ણય લેશે. આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી બાદ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવું કે નહીં તેને લઈને નિર્ણય લેવાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *