ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાના ઉકેલના એકશન પ્લાનની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક હાથ ધરતા શ્રી અમિતભાઇ શાહ*

Spread the love

 

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગર લોકસભાના વરસાદી પાણી ભરાવા, ગટર, રોડ રસ્તા સહિતની સમસ્યાઓના કાયમી ઉકેલ માટેના એક્શન પ્લાનની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક હાથ ધરી હતી. આ બેઠકમાં અમદાવાદના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, મુખ્ય સચિવશ્રી પંકજ જોશી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવશ્રી, માન. મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવશ્રી અમદાવાદ અને ગાંધીનગરના કલેક્ટરશ્રીઓ, કમિશનરશ્રીઓ તેમજ સબંધિત વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી શાહે દોઢ કલાક ચાલેલી આજની આ બેઠકમાં અગાઉ અપાયેલી સૂચનાઓના આધારે તૈયાર કરેલ એક્શન પ્લાનની પ્રેઝન્ટેશનના માધ્યમથી સમીક્ષા કરી ભવિષ્યમાં નાગરિકોને આ તમામ સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં સદર વિસ્તારોના કરેલ સર્વે આધારે ટુંકાગાળા તથા લાંબાગાળાના ઉપાયો રજુ કરવામાં આવેલ. જેની સમીક્ષા બાદ માન. કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીશ્રી દ્વારા બાવળા, સાણંદ અને કલોલ વિસ્તારની વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના ઉકેલ માટે રજુ થયેલા ટુંકાગાળાના ઉપાયો પર સબંધિત તમામ સરકારી વિભાગોએ સંકલન કરી અમલ કરવાપાત્ર ઉપાયો અંગે તાત્કાલિક અમલવારી કરવા અને કાર્યવાહી આગામી ચોમાસા ઋતુ પહેલા પૂર્ણ કરવા સૂચન કર્યુ અને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી નિકાલ માટે લાંબાગાળાના ઉપાયો પર સંબધિત સરકારી વિભાગોએ સંકલન કરી, યોજના બનાવી, તેની સત્વરે અમલવારી કરવા તાકીદ કરી હતી.

આ એકશન પ્લાન ના અમલ બાદ, અમદાવાદ આસપાસના વિસ્તારો, બોપલ, શીલજ, ઘુમા, થલતેજ, વણજર, ગોતા, ચાંદલોડિયા, સરખેજ, સોલા તેમજ, કલોલ, બાવળા અને સાણંદમાં પાણી ભરાવાની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ મળશે

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી શાહના શિરે દેશના ગૃહ તેમજ સહકાર મંત્રાલયની બેવડી જવાબદારી હોવા છતાં તેમના સંસદીય ક્ષેત્રના સતત મોનિટરિંગ દ્વારા તેઓ નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે હંમેશા જાગૃત રહી સૂચનાઓ અને માર્ગદર્શન આપતા રહે છે.

આ સંદર્ભમાં બાવળા, સાણંદ, કલોલ નગરપાલિકા તેમજ અમદાવાદ, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની તેમજ ગટર, રોડ રસ્તાની સમસ્યાઓના કાયમી ઉકેલ આવે તે માટે એકશન પ્લાન ઘડી કાઢવા શ્રી શાહે આ અગાઉ આપેલ સૂચના અન્વયે રાજ્યના મુખ્ય સચિવશ્રી મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવશ્રી, અગ્ર સચિવ શ્રી (શહેરી વિકાસ) ગાંધીનગર, અમદાવાદના કલેકટરશ્રીઓ અને કમિશનરશ્રીઓ તેમજ સબંધિત વિભાગના વડાઓની આ સમસ્યાના સંદર્ભે સમયાંતરે જુદી જુદી 25 બેઠકો યોજાઈ ગઈ હતી.

આ ઉપરાંત અગાઉના મહિનાઓમાં શ્રી શાહે પ્રસારિત કરેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ બાવળા, સાણંદ અને કલોલ વિસ્તારમાં જુદી જુદી યોજનાઓ, વૃક્ષારોપણ, તળાવોના નવીનીકરણ, વરસાદી પાણી, ગટર, રોડ રસ્તા સહિતના પ્રશ્નો અને કામગીરી અંગે અલગથી ગાંધીનગર અને અમદાવાદ કલેકટરશ્રીઓએ પણ સબંધિત વ્યવસ્થાતંત્ર સાથે ૧૦ જેટલી બેઠકો યોજી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *