
નવરાત્રીના પાવન પર્વના પ્રારંભ સાથે જ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ અને માઇ ભક્તો માટે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, માઇ ભક્તોના પગમાં જ્યાં સુધી તાકાત હશે ત્યાં સુધી ગરબા રમી શકશે. આ માટે ગુજરાત પોલીસે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી છે. નવરાત્રીના પ્રથમ દિવસે હર્ષ સંઘવી સુરતના પાર્લે પોઇન્ટ સ્થિત અંબા નિકેતન મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ત્યાં તેમણે દંડવત પ્રણામ કરી માતાજીની પ્રાર્થના કરી હતી. આ અવસરે તેમણે રાજ્યના નાગરિકોની શાંતિ, સુરક્ષા અને સલામતી માટે તથા તેમની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે અંબા માના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, “રાજ્યના માઇ ભક્તો આપણા ગુજરાતમાં ગરબા કેટલા વાગ્યા સુધી રમવા એ ગુજરાત કે હું કે તમે નક્કી ના કરી શકીએ, એ તો માઈ ભક્તો પગમાં તાકાત હોય ત્યાં સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાવવામાં આવી છે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર ગરબાના આ મહાપર્વને તેની પૂરી ઉલ્લાસ અને ભાવના સાથે ઉજવવાની છૂટ આપી રહી છે. જોકે, તેમણે જવાબદારીપૂર્વક વર્તવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, “આવી વ્યવસ્થાને અવ્યવસ્થામાં ન બદલવી જેનાથી આસપાસના લોકો સંપૂર્ણ રીતે હેરાન થઈ જાય, એવી જવાબદારી પ્રત્યેક નાગરિકોની છે.” આ વાત પરથી કહી શકાય કે સરકાર ખેલૈયાઓને ગરબા રમવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી રહી છે, પરંતુ તે સાથે જ સામાજિક જવાબદારીનું ભાન કરાવવાનું પણ ભૂલી નથી.