
ટ્રમ્પ વહીવટીતંત્રે મંગળવારે H-1B વિઝા પસંદગી પ્રક્રિયામાં મોટા ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો હતો. આનાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં H-1B વિઝા મેળવવાના નિયમોમાં ફેરફાર થઈ શકે છે. હાલમાં, આ વિઝા લોટરી સિસ્ટમ દ્વારા આપવામાં આવે છે, પરંતુ નવી યોજના હવે મોટા પગારવાળી નોકરીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. મતલબ કે, જો અરજીઓ આપેલ વર્ષમાં 85,000થી વધુ મર્યાદા કરતા વધુ આવે છે, તો મોટા પગારવાળી નોકરીઓ ધરાવતા લોકોની પસંદગી થવાની શક્યતા વધુ રહેશે.
નવા નિયમો હેઠળ, શ્રમ વિભાગના અહેવાલોના આધારે બધા ઉમેદવારોને ચાર પગાર કેટેગરીઓમાં મૂકવામાં આવશે. સૌથી વધુ પગાર મેળવનાર, જે વાર્ષિક આશરે $162,500 (લગભગ રૂ. 1.44 કરોડ) કમાય છે, તેઓ ચાર વખત લોટરીમાં ભાગ લેશે. સૌથી ઓછો પગાર ધરાવતા લોકો ફક્ત એક જ વાર લોટરીમાં ભાગ લેશે. આનો હેતુ હાઈ સ્કિલ્ડ અને હાઈ સેલરી ધરાવતા કર્મચારીઓને પ્રાથમિકતા આપવાનો છે.
હાઈ સેલરી સિસ્ટમના આધારે વિઝા આપવાનો પ્રસ્તાવ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. 30 દિવસ માટે જનતાના અભિપ્રાય લેવામાં આવશે. જો મંજૂરી મળી જાય, તો આ સિસ્ટમ આગામી વિઝા સાઈકલ (એપ્રિલ 2026) થી લાગુ કરી શકાય છે.
અગાઉ, ટ્રમ્પ વહીવટીતંત્રે 22 સપ્ટેમ્બરથી નવી H-1B અરજીઓ માટેની ફી વધારીને $100,000 (આશરે ₹88 લાખ) કરી હતી. અગાઉ, તે લગભગ ₹6 લાખ હતી. ન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ કડક ઇમિગ્રેશન પોલિસીઓ અપનાવી રહ્યા છે, જેમાં સામૂહિક દેશનિકાલ, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બાળકો માટે નાગરિકત્વ અટકાવવાના પ્રયાસો અને હવે H-1B વિઝામાં ફેરફારનો સમાવેશ થાય છે. આ વિઝા ખાસ કરીને ટેક અને આઉટસોર્સિંગ કંપનીઓમાં લોકપ્રિય છે, કારણ કે તેઓ તેનો ઉપયોગ વિદેશી હાઈ સ્કિલ્ડ કર્મચારીઓને યુએસ લાવવા માટે કરે છે. નવી યોજનાને અમલમાં મૂકવા માટે સમય લાગશે. તેને સંપૂર્ણપણે અમલમાં મૂકવા માટે મહિનાઓ કે વર્ષો પણ લાગી શકે છે. નોટિસમાં જણાવાયું છે કે જો બધું આયોજન મુજબ ચાલશે, તો 2026ની લોટરી પહેલાં આ નિયમ લાગુ કરી શકાય છે.
ભારતીયો પર તેની શું અસર પડે છે?ઃ
એન્ટ્રી-લેવલ એન્જિનિયરો અને નવા ગ્રેજ્યુએટ્સને ઓછા પગારને કારણે વિઝા મેળવવામાં મુશ્કેલી પડશે. હાઈ સ્કિલ (AI, ડેટા સાયન્સ, ચિપ ડિઝાઇન, સાયબર સુરક્ષા) ધરાવતા લોકો જેમનો પગાર $150,000+ (આશરે રૂ. 1.33 કરોડ) છે તેમને ફાયદો થશે. ભારતીય કંપનીઓનું શું? TCS, Infosys અને Wipro જેવી કંપનીઓ, જે મોટે ભાગે એન્ટ્રી- અને મિડ-લેવલ કર્મચારીઓને રાખે છે, તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. Google, Microsoft અને Amazon જેવી કંપનીઓ, જે હાઈ સ્કિલ ધરાવતા કર્મચારીઓને રાખે છે, તેમને ફાયદો થશે.
ટ્રમ્પે પહેલા પણ પોતાના વિઝા નિયમમાં ફેરફાર પ્રયાસ કર્યો છેઃ
ટ્રમ્પે 2017 થી 2021 સુધીના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન H-1B વિઝા પ્રક્રિયામાં ફેરફાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટના મુદ્દાઓ અને સમય મર્યાદાને કારણે તેઓ સંપૂર્ણપણે સફળ થઈ શક્યા ન હતા. બાદમાં જો બાઈડન રાષ્ટ્રપતિ બન્યા પછી, તેમણે આ અટકાવ્યું હતું. સરકારી અંદાજ મુજબ જો આ નિયમ લાગુ કરવામાં આવે તો 2026થી H-1B કર્મચારીઓના કુલ વેતનમાં $502 મિલિયનનો વધારો થશે. આ વધારો 2027 માં $1 બિલિયન, 2028 માં $1.5 બિલિયન અને 2029 થી 2035 સુધી $2 બિલિયન સુધી પહોંચી શકે છે. જોકે, આનાથી લગભગ 5,200 નાના વ્યવસાયો પર ખરાબ અસર પડશે, કારણ કે તેમની પાસે પરવડે તેવા કર્મચારીઓનો અભાવ રહેશે અને તેમને આર્થિક નુકસાન થશે.