
અમદાવાદમાં નવરાત્રિના તહેવારને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં થલતેજ ગામ, વસ્ત્રાલ ગામ, કોટેશ્વર રોડ અને એ.પી.એમ.સી. ટર્મિનલ સ્ટેશનથી ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાતે 2 વાગ્યાનો રહેશે. ગાંધીનગર માટે મોટેરાથી સેક્ટર-1 જવા માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાતે 2 વાગ્યાનો રહેશે તથા સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મધ્યરાત્રિએ 1 વાગ્યાનો રહેશે. મેટ્રોના લંબાયેલ સમય દરમિયાન, મેટ્રો મુસાફરી માટે ફક્ત રૂપિયા 50ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે. આ સ્પેશિયલ પેપર ટિકિટ બધા મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે અને તેનો ઉપયોગ ફક્ત એક જ મુસાફરી માટે થશે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને કોટેશ્વર રોડથી એ.પી.એમ.સી સુધી રાત્રે 10 વાગ્યા પછી દરેક ટર્મિનલ સ્ટેશનથી દર 30 મિનિટે મેટ્રો મળશે. મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધીના રૂટ ઉપર મોટેરા સ્ટેડિયમથી રાત્રે 2 વાગ્યા સુધી દર કલાકે, જ્યારે સેક્ટર-1થી રાત્રે 10:00 વાગ્યાથી એક વાગ્યા સુધી દર કલાકે ટ્રેન મળશે.