
છત્તીસગઢની રાજધાની રાયપુરના રહેવાસી ૮૩ વર્ષીય જાગેશ્વર પ્રસાદ અવધિયાનું જીવન એક ખોટા આરોપે બદલી નાખ્યું છે. ૧૯૮૬માં ૧૦૦ રૂપિયાની લાંચ લેવાના આરોપે તેમની નોકરી, પરિવાર અને ગૌરવ છીનવી લીધા હતા. હવે, ૩૯ વર્ષ પછી, હાઈકોર્ટે તેમને આ કેસમાં સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા છે. પરંતુ ન્યાયમાં વિલંબને કારણે તેમના જીવનમાં ન ભરી શકાય તેવુ નુકસાન થયું છે. અવધિયા હવે તેમના બાકી રહેલા દિવસો શાંતિથી જીવી શકે તે માટે સરકાર પાસેથી તેમના પેન્શન અને નાણાકીય સહાયની માંગ કરી રહ્યા છે.
આ ઘટના ૧૯૮૬માં બની હતી. જ્યારે જૈગેશ્વર પ્રસાદ મધ્યપ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MPSRTC) ના રાયપુર કાર્યાલયમાં બિલિંગ સહાયક તરીકે કામ કરતા હતા. એક કર્મચારી, અશોક કુમાર વર્માએ તેમના બાકી રહેલા બિલ ચૂકવવા માટે તેમના પર દબાણ કર્યું. જાગેશ્વરે નિયમોનો હવાલો આપીને ના પાડી. બીજા દિવસે, વર્માએ ૨૦ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ જાગેશ્વરે પૈસા પાછા આપી દીધા
૨૪ ઓક્ટોબર, ૧૯૮૬ ના રોજ, વર્માએ ફરીથી ૧૦૦ રૂપિયા (૫૦ રૂપિયાની બે નોટો)
જબરજસ્તીથી જાગેશ્વર પ્રસાદના ખિસ્સામાં નાખી દીધા હતા. તે જ સમયે વિજિલન્સ ટીમે દરોડો પાડ્યો અને જાગેશ્વર પ્રસાદની ધરપકડ કરી. જાગેશ્વરનો દાવો છે કે આ એક સુનિયોજિત કાવતરું હતું. ધરપકડ સમયે, તેમના હાથ રસાયણોથી ધોવાયા હતા, અને નોટોને પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી. જોકે, જાગેશ્વરે વારંવાર પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું પણ કોઇએ તેમને સાંભળ્યા ન હતા
આ ઘટના પછી, જાગેશ્વરનું જીવન પાટા પરથી ઉતરી ગયું. તેમને ૧૯૮૮ થી ૧૯૯૪ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા, પછી રીવામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. તેમનો પગાર અડધો થઈ ગયો, અને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ બંધ થઈ ગયા. ચાર બાળકો સાથેનો તેમનો પરિવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. જાગેશ્વર કહે છે કે ૨૫૦૦ રૂપિયાના પગાર પર ઘર ચલાવવું મુશ્કેલ હતું. તે બાળકોની ફી ચૂકવી શકતો ન હતા,
તેમની પત્ની સતત તણાવમાં રહેતી હતી અને આખરે તેમનું અવસાન થયું. તેમના પરિવારને સમાજે બહિષ્કૃત કર્યા, તેમને લાંચ લેનારાઓનો પરિવાર ગણાવ્યા. પડોશીઓ તેમનાથી દૂર રહેતા હતા, ફી ન ભરવા બદલ તેમના પુત્રને ઘણી વખત શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો આર્થિક મુશ્કેલીઓને કારણે પુત્રએ લગ્ન કર્યા ન હતા. પરિવાર સરકારી રાશન પર આધાર રાખે છે.
નિવૃત્તિ પછી, જાગેશ્વરને પેન્શન મળતું ન હતું. તે ચોકીદાર તરીકે કામ કરતા હતા અને ગુજરાન ચલાવવા માટે નાની-મોટી નોકરીઓ કરતા હતા. સમાજમાં તેની છબી એક પ્રામાણિક કર્મચારીથી બદલાઈને લાંચ લેનાર બની ગઈ હતી.
૨૦૦૪માં, ટ્રાયલ કોર્ટે જાગેશ્વરને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ દોષિત ઠેરવ્યા હતા, તેમને એક વર્ષની જેલ અને ૧ હજાર દંડ ફટકાર્યો હતો. પરંતુ તેમણે હાર માનવાનો ઇનકાર કર્યો અને હાઈકોર્ટમાં અપીલ કરી. ન્યાયાધીશ બી.ડી. ગુરુની અધ્યક્ષતાવાળી બેન્ચે તાજેતરમાં પોતાનો ચુકાદો આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફરિયાદ પક્ષ લાંચ માંગવા અથવા સ્વીકારવાના કોઈ નક્કર પુરાવા પૂરા પાડવામાં નિષ્ફળ ગયો હતો. સાક્ષીઓ, દસ્તાવેજો અને પરિસ્થિતિગત પુરાવા પૂરતા નહોતા. કોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો, જેમાં ૧૯૪૭ અને ૧૯૮૮ના ભ્રષ્ટાચાર કાયદાઓ વચ્ચેના તફાવતો પર પ્રકાશ પાડવામાં આવ્યો. ૩૯ વર્ષ પછી જાગેશ્વરને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
રાયપુરના અવધિયા પારા ખાતેના પોતાના ૯૦ વર્ષ જૂના પૈતૃક ઘરમાં રહેતા જાગેશ્વર હવે થાકી ગયા છે. તેમના કબાટમાં દસ્તાવેજોની ફાઇલો તેમના લાંબા સંઘર્ષની સાક્ષી આપે છે. તેમનો પરિવારે સરકારને આ અન્યાય માટે વળતર આપવા અપીલ કરી હતી.