
ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક-યુવતી 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે 1.15 વાગ્યે બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠાં હતાં. ત્યારે લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખસે બંનેને માલમતા આપી દેવા ધમકાવ્યા હતા, યુવાને પ્રતિકાર કરતાં લૂંટારાએ છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી, જ્યારે યુવતી ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો.
આ ચકચારી લૂંટ-મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો છે. આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને સોંપવામાં આવી છે. આ બનાવના દિવસના કેનાલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી બાઇક પર શિકારની શોધમાં ફરતો દેખાય છે. યુવક યુવતી એકાદ વાગ્યાની આસપાસ કેનાલ ખાતે ગાડીમાં હાજર હતા. આ દરમિયાન આરોપી વિપુલ કેનાલ વિસ્તારમાં ફરતો હતો. જે અંબાપુર કેનાલ બ્રિજ તરફના મેઈન રોડથી કેનાલના વેરાન સર્વિસ રોડ ઉપર ઘૂસ્યો હતો. બાદમાં યુવક યુવતીને ટાર્ગેટ કરી ગુનાને અંજામ આપ્યો હતો. જ્યાંથી તે નાસી ગયો હતો. આરોપી 12.30 વાગ્યા આસપાસનો આ વિસ્તારમાં ફરતો હોવાનું પોલીસનું માનવું છે. જેની વિગતવાર કડીઓ જોડવા પોલીસ હાલમાં આરોપીનું ઇન્ટ્રોગેશન કરી રહી છે.
આ ઘટના બાદ વિપુલ ફરાર થઈ ગયો હતો અને ગાંધીનગર પોલીસને થાપ આપી રહ્યો હતો. તે છાલા અને દહેગામ પંથકમાં પણ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસ તેને પકડી શકી ન હતી. આખરે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસમાં જોડાઈ અને તેને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો. આરોપીએ ગુનાની કબૂલાત કરી લીધી છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે તે મનોરોગી છે અને અવારનવાર ઉશ્કેરાઈને હુમલાઓ કરતો હોય છે. મહત્વનું છે કે આ ચકચારી લૂંટ વિથ મર્ડર પ્રકરણની તપાસ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી ધ્વારા ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ દિવાનસિંહ વાળાને સોંપવામાં આવી છે. તેમની આગેવાનીમાં સાઇકો કિલર વિપુલ પરમારે ગુનાને કેવી રીતે અંજામ આપ્યો , હથિયાર સહિતની સિલસિલાબંધ કડીઓ જોડવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. બાદમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રશન પણ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવેલો આરોપી વિપુલ પરમાર જામીનમુક્ત થયેલો છે. તે કેનાલ પાસે ઊભાં રહેતાં પ્રેમી-પંખીડાંને જ લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો આવ્યો છે. આ શખસે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહોતા. એને કારણે તે કોઈપણ યુગલને જોતાં જ તેમના પર હુમલો કરતો હતો. પોતાના લગ્ન થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે અને તેને જેલ પણ થઈ ચૂકી છે.
વિપુલના પિતા બીજી પત્ની લાવ્યા હતા. બંનેનાં લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો હતો, જેમાં તેને સતત એવુ લાગતું હંતુ કે તેની સાવકી માતા તેના લગ્ન થવા દેતી નથી. પરિણામે તે, મનોવિકૃત બની ગયો હતો. તપાસમાં એવું પણ બહાર આવ્યું કે તેના પિતા વિષ્ણુભાઇ પરમાર સીઆરપીએફમા નોકરી કરતા હતા. ત્યારે તેની પહેલી પત્નીથી વિપુલ નામનો એક દીકરાનો જન્મ થયો હતો. પરિણામે તેના લગ્ન નહીં થતાં તે પ્રેમી યુગલો જોઇને ગુસ્સે ભરાતો હતો અને તે કંઇપણ સમજે એ પહેલા તેમના પર છરીથી હુમલો કરતો હતો. તેની માતા તેના પતિને છોડીને જતી રહી હતી, જેથી તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા, પરંતુ તેની સાવકી માતા તેની સાથે સારો વ્યવહાર રાખતી ન હતી. આ ભેદભાવને કારણે તે ઉશ્કેરાયેલો રહેતો હતો. મેટ્રિમોનિયલ સાઇટ પર તેણે પોતાનું નામ લગ્ન માટે નોંધાવ્યું હતું, જ્યાં તેણે એક યુવતીનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેની માતા લગ્ન કરવા દેતી ન હતી, તેથી તે ગુસ્સે ભરાયેલો રહેતો હતો.