ગુજરાતના યુવાનો માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના વહીવટી કાર્યબોજને હળવો કરવા અને વહીવટી તંત્રને વધુ સક્ષમ બનાવવા માટે નાયબ મામલતદાર (વર્ગ-3)ની મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત કરી છે. કુલ 5502 ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
કલેક્ટર કચેરીમાં ખાલી પડેલી 5186 જગ્યાઓ સીધી ભરતીના માધ્યમથી ભરવામાં આવશે, જેનાથી મહેસૂલી કામગીરીમાં ગતિ આવશે.
આ ઉપરાંત, મહેસૂલ વિભાગે અન્ય રીતે પણ જગ્યાઓ ભરવાની યોજના બનાવી છે.
વિવિધ વિભાગોમાંથી 173 જગ્યાઓ પ્રતિનિયુક્તિ (Deputation) દ્વારા ભરવામાં આવશે. કેટેગરી-એ હેઠળની 4699 જગ્યાઓ તમામ કેડરમાંથી ફાળવવામાં આવી છે. મહેસૂલ વિભાગ અંતર્ગત 103 જગ્યાઓ ખાસ પ્રતિનિયુક્તિ માટે ફાળવવામાં આવી છે. સંવર્ધિત કેડર (Augmented Cadre) હેઠળ 79 જગ્યાઓ અને ડેપ્યુટેશન રિઝર્વ હેઠળ 116 જગ્યાઓ પણ ફાળવવામાં આવી છે.
નાયબ મામલતદાર એ મહેસૂલ વિભાગનો એક મહત્ત્વપૂર્ણ પાયો છે. આ 5502 નાયબ મામલતદારોની નિમણૂક થવાથી જમીન સંબંધિત દસ્તાવેજો, સરકારી યોજનાઓનું અમલીકરણ અને અન્ય વહીવટી કાર્યોમાં ઝડપ આવશે. આ વિશાળ ભરતી થકી મહેસૂલ વિભાગ પરનો વર્તમાન કાર્યબોજ ઘટશે અને વહીવટી તંત્ર વધુ સક્રિય અને પારદર્શી બનશે.
ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ થશે તેના વિશે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.