વાવાઝોડા સુપર ટાયફૂન રગાસાએ તાઇવાનમાં હાહાકાર મચાવ્યા પછી હવે ચીન પહોંચ્યું છે. તાઇવાનમાં ભારે પવન સાથે વરસાદના કારણે અલગ-અલગ ઘટનામાં 17 લોકોનાં મોત નીપજ્યાં છે.
હવે ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં વાવાઝોડાનું આગમન થયું છે, જેના કારણે શાળાઓ બંધ કરવામાં આવી છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
સુપર ટાયફૂન રગાસા હવે નબળું પડવા લાગે તેવી અપેક્ષા છે, છતાં હાલની સ્થિતિ અત્યંત ખતરનાક છે તેમ બીબીસીનો અહેવાલ જણાવે છે.
તે મુજબ વાવાઝોડાએ યાંગજિયાંગ શહેર પાસેનો કિનારો પાર કરી લીધો છે અને પવનની ઝડપ લગભગ 144 કિમી પ્રતિ કલાક છે.
સુપર ટાયફૂન રગાસાનો આગળનો માર્ગ જોતા લાગે છે કે હવે વિયેતનામ અને લાઓસમાં પણ તેની અસર જોવા મળશે.
આ સુપર ટાયફૂન A કૅટગરી-5ના વાવાઝોડા જેટલું તીવ્ર છે.
સુપર ટાયફૂન રગાસા એ આ વર્ષનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. ઍસોસિયેટેડ પ્રેસના અહેવાલ પ્રમાણે આ વાવાઝોડાએ તાઇવાન અને ફિલિપીન્ઝમાં કુલ મળીને ઓછામાં ઓછા 27 લોકોના જીવ લીધા છે.
એક સમયે આ વાવાઝોડાની પવનની મહત્તમ ઝડપ 241 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. ચીનના હવામાન વિભાગે તેને કિંગ ઑફ સ્ટોર્મ એટલે કે ‘વાવાઝોડાનો બાદશાહ’ ગણાવ્યો છે. તેનો ઉદ્ભવ કેવી રીતે થયો અને થોડા કલાકોની અંદર તે આટલું શક્તિશાળી કેમ બની ગયું, તેની વિગત અહીં આપી છે.
વાવાઝોડાનો ઉદ્ભવ ક્યાંથી થયો?
Getty Imagesરગાસાના ઉદ્ભવ પછી થોડા જ કલાકોમાં તે સૌથી શક્તિશાળી વાવાઝોડું બની ગયું
સુપર ટાયફૂન રગાસાનો ઉદ્ભવ વેસ્ટર્ન પેસિફિકમાં આ મહિનાની શરૂઆતમાં માઇક્રોનેશિયા પર થયો હતો. સમુદ્રના પાણી અસાધારણ ગરમ થવાના કારણે રગાસાની શક્તિ વધવા લાગી હતી.
સોમવાર સુધીમાં તેને ‘સુપર ટાયફૂન’ નામ આપવામાં આવ્યું હતું. હવામાનશાસ્ત્રીઓ વેસ્ટર્ન પેસિફિકના ટ્રોપિકલ સાઇક્લોનને તેના પવનની ઝડપના આધારે વર્ગીકરણ કરે છે.
પવનની ઝડપ જ્યારે 119 કિમી પ્રતિ કલાકને વટાવી જાય ત્યારે તેને ટાયફૂન કહેવામાં આવે છે. જ્યારે 241 કિમી પ્રતિ કલાકની ઝડપને પાર કરે ત્યારે વાવાઝોડું ‘સુપર ટાયફૂન’ કહેવાય છે.
બુધવારે હૉંગકૉંગના હવામાન વિભાગે રગાસાને સુપર ટાયફૂનમાંથી ‘સિવિયર ટાયફૂન’ની કૅટગરીમાં મૂક્યું હતું. તે વખતે તેની મહત્તમ ઝડપ 175 કિમી પ્રતિ કલાક હતી.
હૉંગકૉંગ પહોંચતાં પહેલાં સુપર ટાયફૂન રગાસાએ તાઇવાનમાં ભારે વિનાશ વેર્યો છે. કેટલાંક તળાવ છલકાઈ ગયાં અને પાળા તોડીને ધસમસતાં પાણી રહેણાક વિસ્તારમાં ઘૂસી ગયાં હતાં. આ ઉપરાંત પાણીના વહેણના કારણે પુલ તૂટી જવા, રોડ ધોવાઈ જવા અને લોકોની ઘરવખરી તણાઈ જાય તેવી ઘટનાઓ બની છે.
ઉત્તર ફિલિપીન્ઝમાં વાવાઝોડાના કારણે હોડીઓ ઊંધી વળી જવાથી કેટલાક માછીમારોનાં મોત નીપજ્યાં છે. કેટલાક માછીમારો ગુમ છે.
અંતરિયાળ વિસ્તારો જેવા કે બાટાનેસ અથવા બાબુયાન ટાપુઓ પર જ્યાં આ ટાયફૂને ‘લૅન્ડફૉલ’ કર્યું હતું ત્યાં લગભગ 20 હજાર લોકો રહે છે. તેમાંથી ઘણા લોકો ગરીબીમાં જીવે છે.
કલાકોની અંદર વાવાઝોડાની શક્તિ કેમ વધી ગઈ?
Getty Imagesસુપર ટાયફૂન રગાસાના માર્ગમાં આવતાં શહેરોમાં ભયંકર પૂર આવ્યાં અને પ્રચંડ ઝડપથી પવન ફૂંકાયો છે
કૅનેડાની ન્યૂઝ વેબસાઇટ સીબીસીના અહેવાલ પ્રમાણે હાલની સ્થિતિ માટે ‘રેપિડ ઈન્ટેન્સિફિકેશન’ને જવાબદાર ગણવામાં આવે છે. આ હવામાનને લગતો શબ્દ છે જેમાં કોઈ વાવાઝોડું 24 કલાકથી ઓછા સમયમાં પ્રચંડ શક્તિશાળી બને ત્યારે વપરાય છે.
અમેરિકાના નૅશનલ હરિકેન સેન્ટર પ્રમાણે દર કલાકે પવનની ઝડપ 55 કિમી પ્રતિ કલાક કરતાં વધુ ઝડપથી વધવા લાગે ત્યારે તે રેપિડ ઇન્ટેન્સિફિકેશનની શ્રેણીમાં આવે છે. રગાસા તેના કરતાં બમણી ઝડપથી શક્તિશાળી બન્યું હતું જેથી તે કૅટગરી-5માં મૂકવામાં આવ્યું છે.
સમુદ્રનું પાણી અત્યંત ઝડપથી ગરમ થાય ત્યારે તેમાં વધારાની ઊર્જા સંગ્રહ થાય છે અને તે વાવાઝોડાના સ્વરૂપમાં ગરમી છોડે કરે છે. રેપિડ ઇન્ટેન્સિફિકેશનની આગાહી કરવી બહુ જટિલ હોય છે. એશિયામાં તમામ ટ્રોપિકલ સાઇક્લોનમાંથી 20થી 30 ટકા એવાં હોય છે જેમાં ઓછામાં ઓછા એક વખત રેપિડ ઇન્ટેન્સિફિકેશનની ઘટના બને છે.
વાવાઝોડાને લીધે ચીનમાં 20 લાખથી વધુ લોકોનું સ્થળાંતર
Getty Imagesસુપર ટાયફૂન રગાસાના કારણે હૉંગ કૉંગમાં પણ નુકસાન થયું છે
એપીના અહેવાલ અનુસાર ચીનમાં સાઉથ ગુઆંગડોંગ પ્રાંતમાંથી લગભગ 20 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેના કારણે લગભગ એક ડઝન શહેરોમાં શાળાઓ, કારખાનાં અને પરિવહન સેવાઓ બંધ છે.
હૉગકૉંગમાં લગભગ 80 લોકોને ઈજા થઈ છે અને અનેક ઝાડ પડી ગયાં છે. લગભગ 700 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. પ્રચંડ વેગથી વહેતા પાણીના કારણે હોટલોના કાચના દરવાજા તૂટી ગયા હોય તેવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
વાવાઝોડા ‘રગાસા’નો અર્થ શું થાય છે?
Getty Imagesચીનના ઝુહાઈ શહેરમાં વાવાઝોડું ત્રાટકે તે અગાઉ ઝાડની ડાળીઓ કાપવામાં આવી રહી છે
ફિલિપિનો ભાષામાં રગાસાનો અર્થ “શક્તિશાળી” અથવા “ધસમસતું” એવો થાય છે. સામાન્ય રીતે પૂરના પાણીને વર્ણવવા અથવા ગુસ્સો દેખાડવા માટે પણ આ શબ્દનો ઉપયોગ થાય છે.
ફિલિપીન્ઝના દરિયાકિનારે ઘણી વખત ટ્રોપિકલ વાવાઝોડાં અને ટાયફૂન આવતાં રહે છે જેને સ્થાનિક ભાષામાં અલગ-અલગ નામ આપવામાં આવે છે.
આલ્ફાબેટના દરેક અક્ષર દીઠ દર વર્ષે વાવાઝોડાને 25 નામ આપવામાં આવે છે. આ ઉપરાંત બીજાં 10 નામો પણ છે. કેટલાંક નામોને રિસાઇકલ કરવામાં આવે છે.
આ વાવાઝોડું ત્યારે આવ્યું છે જ્યારે આ દેશ ભીષણ ચોમાસાને કારણે છેલ્લા એક અઠવાડિયાથી પૂરથી પીડાઈ રહ્યો છે.
રવિવારે દેશભરમાં હજારો લોકોએ ભ્રષ્ટાચાર સામે વિરોધપ્રદર્શન કર્યું હતું, લોકોએ સરકારને માળખાગત સુવિધાઓના ગંભીર અભાવ માટે જવાબદાર ઠેરવી હતી.