સ્વિમિંગ, ડાઇવિંગ, આર્ટિસ્ટિક સ્વિમિંગ અને વોટર પોલો જેવી રમતોમાં ૨૯ દેશોના ૯૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેશે
અમદાવાદ
- અમદાવાદમાં નારણપુરા ખાતે તાજેતરમાં ઉદ્ઘાટન પામેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ વધુ એક આંતરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ ઇવેન્ટના આયોજન માટે સજ્જ બન્યું છે. ૨૮ સપ્ટેમ્બરથી વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે ૧૧મી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી એશિયા એક્વાટિક્સના નેજા હેઠળ ૧૧મી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રીમિયર કોન્ટિનેન્ટલ ઇવેન્ટમાં સ્વિમિંગ, ડાઇવિંગ, આર્ટિસ્ટિક સ્વિમિંગ અને વોટર પોલો સહિતની રમતોમાં સ્પર્ધકો ભાગ લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૧ ઓક્ટોબર સુધી યોજાનારી આ ચેમ્પિયનશીપ પ્રથમ વખત ભારતમાં યોજાઈ રહી છે. ઓલિમ્પિક રમતોની યજમાની માટે સજ્જ થઈ રહેલા અમદાવાદમાં યોજાનારી આ ચેમ્પિયનશીપમાં ૨૯ દેશોના ૯૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
આ ચેમ્પિયનશીપ ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે રમવાનો લાભ અને ઉચ્ચ સ્તરીય સ્પર્ધાનો અનુભવ પૂરો પાડશે. આ સાથે, આ ઇવેન્ટ ૨૦૨૬ એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે પણ માન્યતા પ્રાપ્ત છે. ગુજરાત માટે આ ચેમ્પિયનશીપનું આયોજન એક મોટી સિદ્ધિ છે, જે ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની ભારતની બિડમાં અમદાવાદને મોખરે રાખશે.
એક્વાટિક્સ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાની આ ઇવેન્ટ ભારતમાં એક્વાટિક્સ રમતોને લોકપ્રિય બનાવવામાં, એક્વાટિક્સ ક્ષેત્રે વધુ પ્રતિભાઓને તૈયાર કરવામાં અને અમદાવાદને વૈશ્વિક સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. ભારતમાં ૨૦૩૬ના ઓલિમ્પિક્સની યજમાની કરવાના વિઝનને સાકાર કરવાની દિશામાં આ ચેમ્પિયનશીપ મહત્વની સાબિત થશે. આ ઇવેન્ટ રાજ્યની સંગઠનાત્મક કુશળતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સજ્જતા અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ્સનું આયોજન કરવાની ક્ષમતાને મજબૂત કરશે.
