
રશિયા-યુક્રેન યુદ્ધને શાંત પાડવા માટે એક મહત્વપૂર્ણ સંકેત મળ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ યુદ્ધનો અંત લાવવા માટે પદ છોડવા તૈયાર છે. અમેરિકન પોર્ટલ એકિસઓસ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “મારું લક્ષ્ય યુદ્ધનો અંત લાવવાનું છે, સત્તા પર ચોટી રહેવાનું નહીં.”
ઝેલેન્સકીએ પદ છોડવાની વાત કરીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુખ્ય માંગણીઓમાંથી એક સ્વીકારી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને રોઇટર્સના અહેવાલ મુજબ, પુતિનની ત્રણ મુખ્ય માંગણીઓ હતી: યુક્રેન પૂર્વીય ડોનબાસ પ્રદેશ છોડી દે, યુક્રેન નાટોમાં જોડાવાની મહત્વાકાંક્ષા છોડી દે અને તટસ્થ રહે, ઝેલેન્સકીને સત્તા પરથી હટાવવામાં આવે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે અગાઉ યુક્રેનને શાંતિ સમજૂતી માટે દબાણ કરી રહ્યા હતા, હવે તેમનો પક્ષ બદલતા દેખાઈ રહ્યા છે. તાજેતરમાં તેમણે કહ્યું કે યુક્રેન તેના બધા કબજે કરેલા પ્રદેશો પાછા લઈ શકે છે.
આ નિવેદનોએ યુરોપમાં પણ હલચલ મચાવી દીધી છે. ઘણા વિશ્વેષકો માને છે કે અમેરિકા હવે યુદ્ધની જવાબદારી યુરોપ પર ખસેડવા માંગે છે. આના કારણે જર્મનીના વિદેશ મંત્રીએ યુરોપને વધુ સૈન્ય અને નાણાકીય સહાય પૂરી પાડવાની અપીલ કરી છે.
ઝેલેન્સકીનો આ નિર્ણય યુદ્ધને સમાપ્ત કરવા માટે એક આશાનું કિરણ બની શકે છે. હવે જોવાનું એ છે કે શું રશિયા બાકીની શરતો પર સમાધાન માટે તૈયાર થશે કે કેમ.