
ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને બુધવારે ગ્રીનલેન્ડની મહિલાઓની 60 વર્ષ પહેલાં કરવામાં આવેલી બળજબરીથી કરવામાં આવેલી નસબંધી માટે માફી માગી હતી. ગ્રીનલેન્ડમાં વસતિ નિયંત્રણના હેતુથી કરવામાં આવેલી નસબંધીને હવે વંશીય ભેદભાવના પ્રતીક તરીકે જોવામાં આવે છે. ગ્રીનલેન્ડ ડેનમાર્કનો એક સ્વાયત્ત પ્રદેશ છે, જેના પોતાના વડાપ્રધાન છે.
હકીકતમાં, 1960અને 1970ના દાયકામાં, ડેનિશ ડોકટરોએ લગભગ 4,500 ગ્રીનલેન્ડિક મહિલાઓ અને છોકરીઓમાં બળજબરીથી ઇન્ટ્રાઉટેરિન ડિવાઇસ (IUD) ઇમ્પ્લાન્ટ કર્યા હતા. આને સ્પાઇરલ કેસ તરીકે ઓળખવામાં આવે છે. નાજા લીબર્થ, જેમણે સૌપ્રથમ આ કેસનો વિરોધ કર્યો હતો, તેમણે કહ્યું, “આગળ વધવા માટે માફી માગવી જરૂરી છે.” જોકે, તેમણે નારાજગી વ્યક્ત કરી કે કેસની તપાસમાં માનવ અધિકાર ઉલ્લંઘનનો કોઈ સમાવેશ થયો નથી.
તપાસમાં જાણવા મળ્યું કે તે સમયે 12 વર્ષની નાની છોકરીઓને પણ આવા ઉપકરણો લગાવવામાં આવ્યા હતા. આ સ્ત્રીઓને પાછળથી ભારે દુખાવો, રક્તસ્રાવ અને કેટલીકને વંધ્યત્વનો સામનો કરવો પડ્યો. ઘણી સ્ત્રીઓએ જણાવ્યું કે જ્યારે તેઓએ દુખાવાની ફરિયાદ કરી ત્યારે ડોક્ટરોએ તેમને મદદ કરી નહીં. કેટલીક સ્ત્રીઓએ જાતે જ IUD કાઢવાનો પ્રયાસ કર્યો, જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ.
ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને આ બાબતે કહ્યું-“તમને કંઈ પૂછવામાં આવ્યું ન હતું. તમને બોલવાની અને સાંભળવાની તક આપવામાં આવી ન હતી. આ આપણા ઇતિહાસનો સૌથી કાળો પ્રકરણ છે”. દરમિયાન, ડેનિશ પીએમ ફ્રેડરિકસેને સ્વીકાર્યું કે ઘણી સ્ત્રીઓને માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, અને કેટલીક તેમના જીવનભર માતા બની શકી ન હતી. સમારંભમાં એક મહિલાએ કહ્યું, “ફ્રેડરિકસેનની માફી સારી છે, પરંતુ આપણને સત્ય અને ન્યાયની જરૂર છે. ભાષણમાં વળતરનો કોઈ ઉલ્લેખ ન હોવાથી મને નિરાશા થઈ.”
2025માં એક તપાસ અહેવાલમાં આ કૌભાંડની પુષ્ટિ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તે માનવ અધિકારોનું ઉલ્લંઘન હોઈ શકે છે. 2026માં બીજો તપાસ અહેવાલ બહાર પાડવામાં આવશે, જે નક્કી કરશે કે તેને નરસંહાર ગણવો જોઈએ કે નહીં. ડેનિશ PMએ પીડિત મહિલાઓ માટે “વળતર ભંડોળ” બનાવવાની વાત કરી હતી, પરંતુ તે ક્યારે અને કેટલી મહિલાઓને મળશે તે સ્પષ્ટ નથી. 143 મહિલાઓના એક જૂથે ₹50 કરોડના વળતરની માગણી સાથે દાવો દાખલ કર્યો છે.
150 વર્ષ સુધી ડેનિશ વસાહત રહ્યા પછી, ગ્રીનલેન્ડ 1953માં ડેનમાર્કનો ભાગ બન્યું. 1979માં તેને થોડી સ્વાયત્તતા મળી, જેના કારણે ગ્રીનલેન્ડ ડેનમાર્કનો ભાગ રહી શક્યું પરંતુ પોતાની સરકાર પસંદ કરી શક્યું અને શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોમાં સ્વતંત્રતા મેળવી શક્યું. જોકે, 1992 સુધી, ડેનમાર્ક ગ્રીનલેન્ડની આરોગ્ય વ્યવસ્થાનું સંચાલન કરતું હતું. 57,000 લોકોનું ઘર ગ્રીનલેન્ડ, વિશ્વનો સૌથી મોટો ટાપુ છે, જે આશરે 2.1 મિલિયન ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળને આવરી લે છે. ગ્રીનલેન્ડનો 85% ભાગ 1.9 માઇલ (3 કિમી) જાડા બરફના આવરણથી ઢંકાયેલો છે. તેમાં વિશ્વના 10% મીઠા પાણીનો સમાવેશ થાય છે.