આઇટી ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની સમય મર્યાદા ૩૧ ઓકટોબર રહેશે

Spread the love

 

 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે, ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની સમય મર્યાદા હવે ૩૧મી ઓકટોબર કરવામાં આવી છે. અગાઉ આ સમય મર્યાદા 30મી સપ્ટેમ્બર હતી. સીબીડીટીની આ જાહેરાતને વેપાર ઉદ્યોગ જગત તથા કરવેરા સલાહકારો દ્વારા આવકાર આપવામાં આવ્યો છે. સીબીડીટી દ્વારા આ નિર્ણય માટેનો ઉદ્દેશ કરદાતાઓને રિપોર્ટ તૈયાર કરવા અને દાખલ કરવા માટે વધુ સમય આપવાનો છે, જેથી તેઓ જરૂરી દસ્તાવેજો અને વિગતો યોગ્ય રીતે રજૂ કરી શકે.
અગાઉ વિવિધ કરવેરા સલાહકાર મંડળો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એસો. દ્વારા સીબીડીટી અને કેન્દ્રિય નાણાં મંત્રી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી. દેશમાં વિવિધ વિસ્તારો ભારે પૂરની પરિસ્થિતિ સહિતના કુદરતી કારણો પણ રજૂ કરાયા હતા. જે કરદાતા ઇન્કમટેકસ ઓડિટ રિપોર્ટ ૩૧મી ઓકટોબર સુધીમાં ફાઇલ કરવામાં નિષ્ફળ જશે તેને ઇન્કમટેક્સ એક્ટની કલમ ૨૭૧ બી મુજબ પેનલ્ટી ભરવી પડશે.
જો કરદાતા નિયત સમય મર્યાદામાં ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવામાં નિષ્ફળ જાય તો તેને તેના કુલ ટર્નઓવરના ૦.૫ ટકા અથવા તો રૂા.૧,૫૦,૦૦૦ પેનલ્ટી બંનેમાંથી જે ઓછું હોય તે લાગી શકે છે. વીસીસીઆઇ, એફજીઆઈ, મધ્ય ગુજરાત વેપાર મંડળ દ્વારા પણ આ નિર્ણયને આવકાર આપવામાં આવ્યો હતો. ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટિશનર, સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલન્ટન્ટસ દ્વારા પણ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તેમ સંસ્થાના અગ્રણી ભાસ્કર પટેલે જણાવ્યું હતું. સીબીડીટીના આ નિર્ણયથી કરવેરા સલાહકારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોને કરદાતાના રિપોર્ટ તૈયાર કરવામાં સરળતા રહેશે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *