બહિયલ કોમી હિંસાના 60 આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું

Spread the love

બહિયલ કોમી હિંસાના 60 આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું:

સરકારી સંપત્તિને નુકસાન કરવા બદલ ફરી આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું,

ગુજરાત પોલીસ ઝિંદાબાદના નારા ગુંજ્યા

 

 

ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા બહિયલ ગામમાં સોશિયલ મીડિયાની પોસ્ટ મુદ્દે લઘુમતી સમાજના ટોળાએ બુધવારે રાત્રે નવરાત્રિ દરમિયાન પથ્થરમારો કરીને દુકાનોમાં તોડફોડ કરી વાહનોમાં આગ ચાંપી હતી. એ ઘટના બાદ સ્થળ ઉપર પહોંચેલી પોલીસ ઉપર પણ હુમલો કરાયો હતો અને પોલીસ વાહનો, ફાયરબ્રિગેડની ગાડીને પણ નુકસાન કરાયું હતું.

આ મામલે 83થી વધુ વ્યક્તિઓ ઉપર નામજોગ અને 200થી વધુના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ગઈકાલે ગુરુવારે 60થી વધુ આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. બીજી તરફ સરકારી સંપત્તિને નુકસાન કરવા સબબ ખુદ પોલીસે ફરિયાદી બનીને આજે ફરીવાર આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મહત્ત્વનું છે કે પોલીસની કામગીરી જોઇને સ્થાનિકોએ ગુજરાત પોલીસ ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.

દહેગામ તાલુકાના બહિયલ ગામે લઘુમતી સમાજના ટોળા દ્વારા બુધવારે રાત્રે નવરાત્રિ દરમિયાન પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. બુધવારે રાત્રિના સમયે ગામમાં ગરબા શરૂ થઈ ગયા હતા. દરમિયાન સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા મુદ્દે હિંસક ટોળું હાથમાં હથિયારો અને પથ્થરો લઈને તૂટી પડયું હતું અને પથ્થરમારો કરી દેતાં વાતાવરણ તંગ બન્યું હતું. આ ટોળા દ્વારા મકાનો, દુકાનો અને મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યા હતા. પાંચથી વધુ દુકાનોમાં તોડફોડ કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. તો બારથી વધુ વાહનોના કાચ તોડવામાં આવ્યા હતા અને અન્ય વાહનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી.

પરિસ્થિતિને કારણે વાતાવરણ તંગ થઈ ગયું હતું અને સ્થળ ઉપર પોલીસ પહોંચી હતી, જેના કારણે ટોળા દ્વારા પોલીસ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આગ બુજાવવા માટે પહોંચેલા ફાયરબ્રિગેડના વાહનના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા, જેના પગલે સ્થિતિ વણસતાં ગાંધીનગર જિલ્લા પોલીસવડા સહિત ગાંધીનગરથી એલસીબી, એસઓજીની ટીમો દહેગામ દોડી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસને ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. ઉપરાંત બે SRP કંપનીને પણ બોલાવી લેવાઇ હતી.

બેથી ત્રણ કલાક સુધી ચાલેલા આ તોફાન બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. ત્યારે આ સંદર્ભે સૌનક સતીષભાઈ પટેલની ફરિયાદના આધારે 83 જેટલા નામજોગ આરોપી સામે તેમજ 200થી વધુના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. એના પગલે ગઈકાલે ગુરુવારે પોલીસે 60થી વધુ આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રશન કરાવ્યું હતું.

તો બીજી તરફ સરકારી સંપત્તિને નુકસાન, પોલીસ ઉપર હુમલો કરવા મામલે સરકાર તરફથી દહેગામ પોલીસ મથકના પીએસઆઈ પ્રજાપતિની ફરિયાદના આધારે ઉક્ત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જે ગુના હેઠળ પોલીસે આજે ચુસ્ત બંદોબસ્ત સાથે 60થી વધુ આરોપીઓ સાથે ફરીવાર રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત પણ શરૂ કરી છે. મહત્ત્વનું છે કે પોલીસની કામગીરી જોઇને સ્થાનિકોએ ‘ગુજરાત પોલીસ ઝિંદાબાદ’ના નારા પણ લગાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *