258 જેટલા નવજાત શિશુઓને જીવનદાયી પોષણ પૂરું પાડ્યું
સ્વચ્છતા અને ગુણવત્તા નિયંત્રણના કડક ધોરણોનું પાલન કરીને અમારી મીલ્ક બેંક બીમાર અને નાજુક નવજાત શિશુઓને સલામત અને પેશ્ચરાઇઝ્ડ માતાનું દુધ પૂરું પાડે છે. :- ડો. રાકેશ જોશી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ અમદાવાદ
અમદાવાદ
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, 28 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદની 1200 બેડ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા ‘મા વાત્સલ્ય’ હ્યુમન મીલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મીલ્ક બેંકે આજે તેનો એક મહિનો પૂર્ણ કર્યો છે. આ 1 મહિનાના સમયગાળામાં, આપણી આ મીલ્ક બેંક ને નોંધપાત્ર સફળતા મળી છે. આ એક મહીનામાં બેંકમાં 294 જેટલી દાતા માતાઓએ પોતાનું દુધ દાન આપ્યું છે. માતાઓના આવા સહકાર અને પ્રેમના પ્રવાહથી 258 થી વધુ નવજાત શિશુઓને જીવનદાયી પોષણ પૂરું પાડી શકાયુ છે.
આ અંગે વધુ વિગતો આપતા પીડીયાટ્રીક વિભાગ ના વડા ડો.જોલી વૈશ્ણવે જણાવ્યું હતું કે, સિવિલની મીલ્ક બેંક ખાતે એક મહીનામાં કુલ 294 માતાઓએ દૂધ કાઢવાની સુવિધાનો લાભ લીધો છે. કુલ 258 બાળકોને આ દુધ નો લાભ મળ્યો છે, જેમાંથી 243 બાળકોને પોતાની માતાઓનું દૂધ અને 15 બાળકોને દાતા માતાનું દૂધ મળ્યું છે. સિવિલના નવજાત શિશુ માટેના આઇસીયુ માંથી કુલ 170 નવજાત શિશુઓ અને KMC વોર્ડમાંથી 103 નવજાત શિશુઓએ આ મીલ્ક બેંક માંથી દૂધ મેળવ્યું છે.
સિવિલ હોસ્પિટલની ‘મા વાત્સલ્ય મિલ્ક બેંક’ના ઇન્ચાર્જ અને પીડીઆટ્રીક વિભાગના પ્રોફેસર ડોક્ટર સુચેતા મુનશીએ જણાવ્યું હતું કે, અમને SNCUમાં બાળકો હોય તેવી માતાઓ, પોસ્ટનેટલ વોર્ડમાં દાખલ માતાઓ અને KMC વોર્ડમાંથી દુધ કાઢવા માટે માતાઓ મળે છે.સિવિલ હોસ્પિટલ અમદાવાદના પીડીયાટ્રીક વિભાગના એસોસિયેટ પ્રોફસર ડો. અનુયા ચૌહાણે જણાવ્યું હતું કે, દુધનો ભરાવો થવાથી સ્તનમાં દુખાવો ધરાવતી માતાઓ માટે આ બેંક વરદાન સાબિત થઇ છે. આવી માતાઓ માં મીલ્ક બેંક માં દુઘ કાઢવાથી તેમની તકલીફમાં રાહત થાય છે સાથે સાથે શરુઆત માં જાતે સ્ત્નપાન ન કરી શકતુ હોય તેવા બાળકને પોતાની માતાનુ દુધ મળતા તેમનો પોષણ અને વિકાસ સારો થાય છ.
ડો. સુચેતા મુનશી અને ડો. અનુયા ચૌહાણે સિવિલ ની “મા વાત્સલ્ય બેંક” ના 1 મહીના ના આંકડા ની વિગતો આપી હતી જે નીચે મુજબ છે.
*️⃣ કુલ દાન : 153.95 લિટર માનવ દૂધ એકત્રિત કરવામાં આવ્યુ.
*️⃣ દાતા માતાઓ: 294
*️⃣ લાભાર્થી નવજાત શિશુઓ: 258
*️⃣ સંગ્રહિત દુધની માત્રા: હાલ માં 14.5 લિટર પેશ્ચરાઇઝ્ડ દૂધ અને 7.8 લિટર અનપેશ્ચરાઇઝ્ડ દૂધ સંગ્રહમાં છે.
સિવિલ હોસ્પિટલ, અમદાવાદના તબીબી અધિક્ષક શ્રી ડો.રાકેશ જોશીએ જણાવ્યું કે, અસરકારક કાઉન્સેલિંગ દ્વારા, અમે સ્તનપાનના મહત્વ વિશે જાગૃતિ લાવી રહ્યા છીએ અને ઘણી માતાઓને દૂધ દાન કરવા માટે પ્રેરણા આપી રહ્યા છીએ. અલબત્ત, આપણે હજુ પણ લાંબી મજલ કાપવાની બાકી છે. અમારી મા વાત્સલ્ય મિલ્ક બેંક ચોક્કસપણે નવજાત મૃત્યુદર ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
