શિક્ષક એટલે સમાજમાં એક ઉચ્ચ સ્થાન ધરાવતો હોદ્દો, ખુબ માન ધરાવતી નોકરી. ગુરુ એક એવા વ્યક્તિ છે કે જે સમાજમાં સારા વ્યક્તિનું નિર્માણ કરે છે અને સારા સમાજની રચના કરવામાં પોતાનો ફાળો આપે છે. પરંતુ હવે સમાજમાં ઉચ્ચ સ્થાન ધરાવતું આ પદ પણ નીચલા સ્થાને જતું હોય એવું લાગી રહ્યું છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનના ટોંક જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ત્યાં એક સરકારી શિક્ષકે નકલી ડિગ્રીના આધારે 32 વર્ષ સુધી નોકરી કરી હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને તેમની વિરુદ્ધ ફરિયાદ મળી. તપાસ કરતા એવું જાણવા મળ્યું કે તેની ડિગ્રી જ નકલી હતી. સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે, આ મામલો તેમની નિવૃત્તિના સાત દિવસ પહેલા જ બહાર આવ્યો હતો અને તેમની નિમણૂક રદ કરવામાં આવી હતી.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આરોપી શિક્ષકની ઓળખ કૃષ્ણ ચંદ્ર જેકવાલ તરીકે થઈ છે, જે દેવપુરા ખજાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં કામ કરતા હતા. તેમણે 1993માં ત્રીજા વર્ગના શિક્ષક તરીકે નોકરી મેળવી હતી. તેની નિમણૂક સમયે, તેણે રજૂ કરેલી કથિત નકલી B.Ed. ડિગ્રી લગાવી હતી તે લખનઉ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી હતી. જોકે, એક મહિના પહેલા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં તેમના દુષ્કૃત્યોનો પર્દાફાશ થયો હતો. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે લખનઉ યુનિવર્સિટીની તેમની B.Ed. ડિગ્રી નકલી હતી. તપાસ ચાલી રહી હતી. લખનઉ યુનિવર્સિટીએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે, તેમની ડિગ્રી અને માર્કશીટ ક્યારેય બહાર પાડવામાં આવી ન હતી. જિલ્લા પરિષદની તપાસ અને SOGની તાત્કાલિક કાર્યવાહી પછી, તેમની નિમણૂક રદ કરવામાં આવી હતી.
ત્યારથી લઈને અત્યાર સુધી કોઈને એ વાતની ખબર પણ ન પડી. આ રીતે, કૃષ્ણચંદ્ર સરકારી નોકરીમાં સેવા આપતા હતા અને 32 વર્ષ સુધી સરકારી પગાર મેળવતા હતા. SOG દ્વારા મળેલી ફરિયાદના આધારે, કૃષ્ણચંદ્રની ડિગ્રીની તપાસ કરવામાં આવી ત્યારે આ આખો મામલો પ્રકાશમાં આવ્યો. તપાસમાં બહાર આવ્યું કે ડિગ્રી નકલી હતી. લખનઉ યુનિવર્સિટીએ પણ સ્પષ્ટતા કરી હતી કે કૃષ્ણચંદ્રની ડિગ્રી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી ન હતી.
આ પછી, આરોપી શિક્ષકને બે વાર રૂબરૂ હાજર થવા માટે નોટિસ મોકલવામાં આવી હતી, જેથી તે આ બાબતે પોતાનો પક્ષ રજૂ કરી શકે. જોકે, સ્વાસ્થ્યના કારણો બતાવીને, તેણે આવવાનો ઇનકાર કર્યો. તે રૂબરૂ હાજર થયો નહીં અને તેના પુત્રને મોકલ્યો. પુત્રએ તેની B.Ed. માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્ર, 1994માં યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી છે તેવા ચકાસણી અહેવાલ સાથે સબમિટ કર્યું. આ પછી, SOGએ તેનો રિપોર્ટ જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પરશુરામ ધનકાને સુપરત કર્યો.
કાર્યવાહી કરતા, CEO ધાનકાએ કૃષ્ણ ચંદ્ર જેકવાલની 1993ની નિમણૂક રદ કરવાનો આદેશ બહાર પાડયો હતો. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી કે જ્યારે તેમની નિવૃત્તિના ફક્ત સાત દિવસ જ બાકી રહ્યા હતા.