ટ્રક-લક્ઝરી વચ્ચે જોરદાર ટક્કર, 3નાં મોત, 20 ઘાયલ

Spread the love

બોટાદ જિલ્લાના પાળિયાદથી સાકરડી ગામના માર્ગ પર આજે (29 સપ્ટેમ્બર) એક અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર, લક્ઝરી બસમાં 50થી 60 જેટલા લોકો સવાર હતા. આ બસમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે ગઈ હતી અને પરત ફરી રહી હતી. સાકરડી રોડ પર પંચર પડવાના કારણે એક ટ્રક ઊભી હતો. એ સમયે પ્રવાસ પરથી પરત ફરતી વખતે લક્ઝરી બસ પાછળ આવી આ ટ્રકમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતકોમાં, રાણપુર તાલુકાના ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાળિયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી દેવાયા છે.
પાળિયાદના મેડિકલ ઓફિસર ડો. જયદેવે જણાવ્યું હતું,”પાળિયાદ-સાકરડી રોડ પર બે વાહન અથડાતાં અકસ્માત થયો હતો, જેમાં 25થી 30 લોકો ઘાયલ થતાં તેમને અહીં લાવવામાં આવ્યા હતા. ઘાયલોની સંખ્યા વધુ હોવાથી અમે પાંચથી છ જેટલા ગંભીર રીતે ઘાયલ લોકોને બોટાદ રીફર કર્યા છે, બાકીનાની સારવાર અહીં ચાલુ છે”.
હીરાના કારખાનાના માલિક મૃતક મુકેશભાઈ બુધાભાઈ ગોહિલના ભાઇ જેસાભાઈ ધીરુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે,”મને આ ઘટના વિશે દોઢ વાગે ખબર પડી. આ અકસ્માતમાં મારા ભાઇ સહિત 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. બીજા લોકોને માથામાં અને હાથેપગે વાગ્યું છે. બસમાં 50થી 60 જેટલા લોકો હતા. આ લોકો રવિવારે સવારે સાત વાગે ખોડલધામ કાગવડ અને વીરપુરના પ્રવાસે જવા નીકળ્યા હતા”.
જેશાભાઇ ગોહિલએ કહ્યુ,”આ અકસ્માતમાં થયો એમાં મારા ભાઇ પણ હતા, જે હીરાનું કારખાનું ચલાવતા હતા. તેઓ કારખાનામાં કામ કરતી છોકરીઓને ફરવા લઇ ગયા હતા. તેઓ પ્રવાસેથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. બસમાં કારખાનામાં કામ કરતા લોકો અને મેનેજર હતા, જેમાં મોટા ભાગની મહિલાઓ હતી તેમજ સાત-આઠ છોકરા પણ હતાં”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *