
રવિવારે મિશિગનના ગ્રાન્ડ બ્લેન્કમાં એક ચર્ચમાં ગોળીબાર થયો હતો જેમાં 4 લોકોનાં મોત થયા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ હુમલાખોર માર્યો ગયો છે અને હવે તે કોઈ ખતરો નથી. આ ઘટના બાદ, ચર્ચમાં આગ લાગી ગઈ, જે ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ (LDS) છે. ગ્રાન્ડ બ્લેન્ક ટાઉનશીપ પોલીસે લોકોને બચાવ અને કટોકટી સેવાઓમાં વિક્ષેપ ન પડે તે માટે વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરી છે. પોલીસે હજુ સુધી ઘાયલોની સંખ્યા અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. ગોળીબારમાં બાળકો પણ ઘાયલ થયાના અહેવાલ છે. સીએનએનના અહેવાલ મુજબ કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે. ઘટના બાદ ચર્ચમાંથી ઘણા દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એફબીઆઈ ચીફ કાશ પટેલે એલડીએસ ચર્ચમાં ગોળીબાર અને આગચંપી અંગે ટિપ્પણી કરી છે. પટેલે કહ્યું,”અમે આ ભયાનક ઘટનાના અહેવાલો પર નજર રાખી રહ્યા છીએ. સ્થાનિક અધિકારીઓને મદદ કરવા માટે FBI એજન્ટો ઘટનાસ્થળે હાજર છે”, “ધાર્મિક સ્થળ પર હિંસા એ કાયરતાપૂર્ણ અને ગુનાહિત કૃત્ય છે. આ દુ:ખદ સમયમાં અમારી સંવેદનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.”
શનિવારે રાત્રે સ્થાનિક સમય મુજબ, ઉત્તર કેરોલિનાના સાઉથપોર્ટમાં એક રેસ્ટોરન્ટમાં ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની સામે હત્યાનો આરોપ દાખલ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકન ફિશ કંપની રેસ્ટોરન્ટમાં બનેલી ઘટનામાં 40 વર્ષીય નિગેલ મેક્સ એજ પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાત્રે 9:30વાગ્યાની આસપાસ, કેપ ફિયર નદી પર રેસ્ટોરન્ટની સામે એક બોટ આવી અને મુસાફરે અંધાધૂંધ ગોળીબાર કર્યો. ત્યારબાદ બોટ ઝડપથી દોડી ગઈ અને ઓક આઇલેન્ડ તરફ ભાગી ગઈ. સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ, યુ.એસ. કોસ્ટ ગાર્ડે ઓક આઇલેન્ડ પર એક જાહેર રેમ્પ પર શંકાસ્પદ વ્યક્તિને તેની બોટ લોડ કરતા જોયો અને તેને કસ્ટડીમાં લીધો. ત્યારબાદ તેને સાઉથપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો. હાલમાં, પોલીસે પીડિતોના નામ અને ઘાયલોની સ્થિતિ જાહેર કરી નથી.