ત્રણ રાજ્યોમાં ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્રીપલ તલાક પીડિત મહિલાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન યોગીએ હિંદુ મહિલાઓના અધિકારને લઈને પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, લગ્ન બાદ કોઈ અન્ય મહિલા સાથે સંબંધ ધરાવનારા પુરૂષ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ હિંદુ પીડિતા મહિલાઓને વિશ્વાસ અપાવ્યો હતો કે તેમને ન્યાય અપાવવામાં આવશે. તેવી જ રીતે ગરીબ અને વંચિત ત્રણ તલાક પીડિત મહિલાઓને કેસ લડવામાં સરકાર મદદરૂપ થશે. આ ઉપરાંત ત્રણ તલાક પીડત મહિલાઓને દર વર્ષે 6000 રૂપિયા આપવાની યોજના પણ બનાવી છે.
યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, એક લગ્ન કર્યા બાદ પણ બીજી પત્ની રાખનારા હિંદુ પતિ પર પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. પીડિત મહિલાઓને પણ ન્યાય આપવાની પ્રક્રિયાને જોડીશું જેમાં અમે કહ્યું હતું કે, આ નારી ગરિમા અને તેના સશક્તિકરણ સાથે જોડાયેલી લડાઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમાજનો કોઈ ભાગ કે વ્યક્તિ પોતાને પછાત અને અપમાનિત મહેસૂસ ના કરે, તેના માટે મક્કમ યોજના તૈયાર કરવામાં આવે. આઝાદી બાદ જ આ લડાઈ લડવી જોઈતી હતી, પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે અગાઉની સરકારો આમ કરવાની હિંમત દેખાડી શકી નહોતી.
મુખ્યમંત્રી યોગીએ આદિત્યનાથે કહ્યું હતું કે, ત્રણ તલાક પીડિતાઓને વર્ષે 6000 રૂપિયાની આર્થિક મદદ આપવાની યોજના પણ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત દરેક મહિલાને કે જેને પોતાનું ઘર નથી તેને ઘર આપવાની, બાળકોનું શિક્ષણ, સ્કોલર્શિપ અને આયુષ્યમાન યોજના અંતર્ગત સ્વાસ્થ્ય કવર આપવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, ત્રણ તલાકનું દુ:ખ સહન કરી રહેલી મહિલાઓની સમસ્યાઓના સમાધાન માટે આ એક નાનકડો પ્રયાસ છે. તોડવું ખુબ જ મુશ્કેલ હોય છે જોડવું વધારે મુશ્કેલ. અમારી લડાઈ સર્જન માટે છે. હું પીએમ મોદીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે દાયકાઓથી ચાલી આવતી આ કુપ્રથા સમાપ્ત કરવા માટે સંસદમાં કાયદો બનાવ્યો.