ચીનની દિગ્ગજ ઑટો મોબાઇલ કંપની ‘ધ ગ્રેટ વૉલ મોટર કંપની લિમિટેડ’ ટૂંક સમયમાં ગુજરાત આવશે. આ કંપનીએ ગુજરાતમાં વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે આશરે 7000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. અગાઉ ચીનની અન્ય જાણીતી કંપની શાંઘાઇ ઓટોમોટીવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને પણ ગુજરાતમાં મોટાપાયે રોકાણ કર્યુ હતુ. સૂત્રોના અનુસાર કંપનીને ગુજરાતમાં ઇલેક્ટ્રિક અને પરંપરાગત ઇંધણથી ચાલતા વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવામાં વધુ રસ છે. જો બધુ ઠીક રહ્યું તો કંપની ઑટો મેન્યુફ્રેક્ચરિંગ ઝોન સાણંદમાં કંપની પ્લાન્ટ ઉભો કરશે. ગત અઠવાડિયે કંપનીના અધિકારીઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે મુલાકાત થઇ હતી. ગત અઠવાડિયે થયેલી વાતચીતના બીજા રાઉન્ડમાં ગ્રેટ વોલ મોટર્સે ભારતમાં 7 હજાર કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ મુક્યો હતો. અમે અમારી પોલિસી અને ઉપલબ્ધ જમીનની વિગતો વિશેની વિગતો આપી છે. કંપની ઓટો એક્સ્પો 2020માં પણ ભાગ લેવાનું પ્લાનિંગ કરી રહી છે. ગ્રેટ વોલે લોકલ ઓફિસ સ્થાપિત કરવા માટે ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 1.6 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું.
અધિકારીઓએ કહ્યું કે કેટલાક ચાઈનીઝ એમએસએમઇ, જે વાહનો માટે ગ્રેટ વોલ મોટર્સને તેમના ઓટો પાટ્ર્સ પૂરા પાડે છે તેઓ પણ નજીકના પ્લાન્ટ સ્થપાય તેવી આશા રાખી રહ્યા છે. ચીની કંપ્નીઓએ અત્યાર સુધીમાં ગુજરાતમાં ઓછામાં ઓછા 17,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. મહત્વનું છે કે ગ્રેટ વોલ મોટર્સે રાજધાની દિલ્હીમાં ક્ષેત્રમાં આવેલા ગુડગાંવમાં હાવલ ઈન્ડિયાના નામથી હેડક્વાર્ટર બનાવવા માટે મંજૂરી આપી છે. આ સિવાય બુલ્ગેરિયા, ઈક્કાડોર, ઈથોપિયા, ઈન્ડોનેશિયા, ઈરાન, નાઈજિરિયા, રશિયા, સેનેગલ, યૂક્રેઈન અને વિયેતનામમાં પણ કંપ્નીના પ્લાન્ટ છે. ભારતમાં કંપ્નીનો આ પહેલો પ્લાન્ટ બનશે.