
દેશમાં અપરાધના મામલે ઉતરપ્રદેશ ટોપ પર રહ્યું છે, બીજા નંબરે મહારાષ્ટ્ર અને ત્યારબાદ કેરળનો નંબર રહ્યો છે. જયારે ટોપ-5માં ચોથા નંબરે ગુજરાત અને તામિલનાડુ રાજય છે. આ રાજયોમાં દેશના તમામ રાજયોની તુલનામાં સૌથી વધુ અપરાધના કેસ નોંધવામાં આવ્યા છે. આંકડા મુજબ હત્યા અને અપહરણના કેસમાં ઉતર પ્રદેશ અને બિહાર ટોપ પર રહ્યા છે. હત્યાના નોંધાયેલા કેસોમાં દેશભરમાં સૌથી વધુ હત્યાઓ ઉતરપ્રદેશમાં થઈ છે, જયારે બીજા નંબરે બિહાર રહ્યું છે. એ પછી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો નંબર છે. કેન્દ્રશાસીત રાજયોમાં હત્યાની સૌથી વધુ ઘટના દિલ્હીમાં થઈ છે. બીજા નંબરે જમ્મુ-કાશ્મીર અને ત્રીજા નંબરે પુુંડુચેરી છે. હત્યાની સાથે સાથે અપહરણના કેસમાં પણ ઉત્તરપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર ટોપ પર છે. ઉતરપ્રદેશમાં સૌથી વધુ અપહરણની ઘટનાઓ બની છે, જયારે મહિલાઓ સામે થયેલા હુમલામાં રાજસ્થાન સૌથી આગળ છે. ઓરિસ્સા બીજા અને મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે રહ્યું છે. અહીં મહિલાઓ સામે સૌથી વધુ હુમલા થયા છે. રોડ એકસીડેન્ટમાં પણ યુપી ટોપ પર રહ્યું છે. અહીં બીજા નંબર પર રહેલા તામિલનાડુની તુલનામાં રોડ એકસીડેન્ટના 5 હજાર કેસો વધુ બહાર આવ્યા છે. એકસીડેન્ટનું કારણ કોઈને કોઈ પ્રકારની લાપરવાહી રહી છે. રેપના સૌથી વધુ કેસ રાજસ્થાનમાંથી બહાર આવ્યા છે, જયારે ઉત્તરપ્રદેશ બીજા નંબરે રહ્યું છે. આ ઉપરાંત ખંડણી માટે કરવામાં આવેલ અપહરણના કેસમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ત્યારબાદ કર્ણાટક અને રાજસ્થાન અને બિહારમાં આવા કેસ સૌથી વધુ બહાર આવ્યા છે.