
દેશમાં માર્ગ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સરકાર મોટા પગલાં ઉઠાવવા જઈ રહી છે. આગામી વર્ષથી ઈલેકટ્રીક વાહનોમાં ધ્વનિ ચેતવણી (સાઉન્ડ એલર્ટ) સિસ્ટમ લગાવવી ફરજીયાત થઈ જશે. તેનો ઉદેશ પગપાળા ચાલતા લોકો તેમજ પ્રજ્ઞાચક્ષુ લોકોને ઈ-વાહનોની હાજરીની ચેતવણી આપવાનો છે. ખરેખર તો ઈ-વાહન ઓછી ઝડપમાં અવાજ વિના દોડે છે જેથી પગપાળા જતા લોકો અને ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ લોકોને આ વાહનોનો આવવાનો પતો નથી લાગતો. આ કારણે દુર્ઘટનાનો ખતરો વધી જાય છે. આ જોતા માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે બધી ઈલેકટ્રીક કારો, બસો, ટ્રકોમાં ધ્વનિક વાહન ચેતવણીને ફરજીયાત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. મંત્રાલયનો મુસદા સૂચના મુજબ નવા ઈલેકટ્રીક વાહન, કે જે ઓકટોબર 2026 બાદ બનેલા હશે, તેને `અવાસ’ સિસ્ટમ સાથે જ ઉતારવામાં આવશે, જયારે જૂના મોજૂદ મોડલ ઓકટોબર 2027 સુધીમાં આ સુવિધાથી સજજ થવા જોઈશે. નિયમ મુજબ વાહન શ્રેણીમાં એમ અને એનમાં આવનાર બધા ઈલેકટ્રીક વાહન આ સીસ્ટમના માન્ય એઆઈએસ 173 અનુસાર અવાજ કાઢતા સાયરન લગાવશે.

અન્ય દેશોમાં વાહનોમાં લાગુ `અવાસ’ ધ્વનિ પ્રણાલીના ઉપયોગને ફરજિયાત કરી છે. અમેરિકા, જાપાન અને યુરોપીય સંઘના કેટલાક દેશોએ અગાઉથી જ હાઈબ્રિડ વાહનોમાં `અવાસ’ ધ્વનિ પ્રણાલીના ઉપયોગને ફરજિયાત કરી દીધી છે. ભારતમાં તેને લાગુ કરવાનો ઉદેશ માર્ગ અકસ્માતો ઘટાડવાનો અને સુરક્ષાના ધોરણોને મજબૂત કરવાનો છે. `અવાસ’ ધ્વનિ પ્રણાલી આ એક એવી સુરક્ષા ટેકનીક છે, જેને ખાસ કરીને ઈલેકટ્રીક તેમજ હાઈબ્રીડ વાહનો માટે બનાવવામાં આવી છે તેમાં `અવાસ’ સિસ્ટમના સ્પીકર કૃત્રિમ અવાજ પેદા કરે છે, જેથી લોકો કે અન્ય વાહનચાલક એ જાણી શકે કે કોઈ ઈલેકટ્રીક વાહન પાસે આવી રહ્યું છે. અવાજની તીવ્રતા અને સ્વર વાહનની ગતિ અને દિશાના હિસાબ બદલતા રહે છે. માર્ગ પર ચાલી રહેલા લોકો વાહનની હાજરી અને તેની ગતિનો અંદાજ લગાવી શકે છે.