
મોડાસા શહેરમાં આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા કરચોરીના મામલે મેગા દરોડા (Raid) પાડવામાં આવતા બિલ્ડરો અને વેપારીઓમાં મોટો ફફડાટ ફેલાઈ ગયો છે. આયકર વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાંની એક હાથ ધરી છે, જેમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવાયું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ દરોડામાં આયકર વિભાગના 400 ઉપરાંત કર્મચારીઓની ટીમ જોડાઈ હતી. આટલી મોટી ટીમને ઘટનાસ્થળે પહોંચાડવા માટે 70 જેટલા વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બિલ્ડરો અને મોટા વેપારીઓના હિસાબોની તપાસના આધારે કરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન આયકર વિભાગને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને નાણાકીય પુરાવાઓ મળ્યા હોવાનું જાણવા મળે છે.
વધુમાં, તપાસના ભાગરૂપે આયકર વિભાગ દ્વારા ત્રણ અલગ-અલગ બેંકોમાં આવેલા 10 જેટલા લોકરોને સીઝ કરવામાં આવ્યા છે. આ લોકરોમાં મોટો દસ્તાવેજી કે નાણાકીય જથ્થો હોવાની આશંકા છે. આ મોટી કાર્યવાહીના કારણે મોડાસા શહેરમાં વેપારી આલમમાં ગભરાહટનો માહોલ છે.