• લોકશાહી બચાવવા, જનતાના સંવિધાનિક અધિકારોની રક્ષા માટેની લડાઈમાં ગુજરાતના જાગૃત નાગરિકોને જોડવા આહ્વાન કરીએ છીએઃ શ્રી અમિત ચાવડા
• વોટચોરી અટકાવવા અને તમારા મતાધિકારને બચાવવા 08047358455 નંબર પર મીસ્ડકોલ કરી “વોટ-રક્ષક” બનો
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, લોકશાહી વ્યવસ્થામાં આપણને સૌને એટલે કે દરેક ભારતીયને સંવિધાને મતનો અધિકાર આપ્યો છે. દેશના બંધારણે સમાનતાના અધિકારના ભાગસ્વરૂપ એક વ્યક્તિ એક વોટનો અધિકાર આપેલો છે. દેશના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય કે પછી સામાન્ય નાગરિક હોય તે દરેકના મતની કિંમત સમાન છે. દેશના લોકોના બંધારણના અધિકાર છીનવવા માટે પારંગત એવી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના શાસનમાં જે ચૂંટણી પંચ સ્વાયત છે જેની પાસે આ દેશના લોકો પ્રમાણિકતા અને નિષ્પક્ષતાની અપેક્ષા રાખે છે એ ચૂંટણી પંચ આજે ભારતીય જનતા પાર્ટીની કઠપુતળી બની ગઈ છે. આખા દેશમાં વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે વોટ ચોરી ચાલી રહી છે. એટલા જ માટે દેશના જનનેતા લોકસભામાં વિપક્ષના નેતા સાંસદશ્રી રાહુલ ગાંધીજીએ જે દેશના લોકોના મનમાં શંકા હતી કે ક્યાંકને ક્યાંક ચૂંટણીઓમાં કાંઈક ખોટુ થાય છે, ચૂંટણી પંચ નિષ્પક્ષતાથી કામ નથી કરતું, ક્યાંક ને ક્યાંક ભાજપને સમર્થન કરે છે. એજ પ્રમાણે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ નવસારી લોકસભાની ચોર્યાસી બેઠક પર ૨,૪૦,૦૦૦ મતદારોની ચકાસણી કરતા ૩૦,૦૦૦ કરતા પણ વધારે નામો ક્યાંક શંકાસ્પદ, ડુપ્લીકેટ અથવા ખોટા હતા તે પણ સ્પષ્ટ પુરાવા સાથે સાબિત થયું છે. આમ આખા દેશમાં વોટ ચોરી થઈ રહી છે. વોટ ચોરીથી ચૂંટણીઓ જીતી જવાય છે એટલા માટે ગુજરાત હોય કે દેશની સરકાર હોય પ્રજા એકબાજુ મોંઘવારીથી પરેશાન છે, યુવાઓને રોજગાર નથી મળતો, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, વેપારીઓના ધંધા-વેપાર ચોપટ થઈ ગયા છે, ગરીબ-સામાન્ય માણસને કોઈપણ અધિકાર કે ન્યાય નથી મળતો, બધા જ વર્ગ-વિસ્તારના લોકો પરેશાન છે. પણ સરકાર બિંદાસ છે કારણ કે સરકારને ખબર છે કે ભલે લોકો ગમે તેટલા નારાજ હોય પણ ચૂંટણીઓ આવશે એટલે અમે વોટ ચોરી કરીશું, ચૂંટણીઓ આવશે એટલે અમે ચૂંટણી પંચને સાથે રાખીને અમે વોટ ચોરી કરી ચૂંટણીઓ જીતી જઈશું. ભલે લોકો ખાડામાં પડે, ભલે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડે, ભરે પેપર ફુટે, ભલે યુવાનોને નોકરીઓના મળે, કર્મચારીઓ આંદોલન કરે, કામદારો પરેશાન હોય પણ સરકારનો કોઈની ચિંતા નથી કારણ કે સરકારમાં બેઠેલા લોકો આ વોટચોરી સાથે સીધા સંડોવાયેલા છે.
આ શંકાને ઉજાગર કરી અને એના કારણે વારંવાર ચૂંટણીઓના પરિણામો આવે ત્યારે જુદા જુદા રાજ્યોમાંથી એવો અવાજ ઉઠતો કે ચૂંટણી પંચની કામગીરી નિષ્પક્ષ નથી અને આ ચૂંટણીઓમાં ક્યાંક ગોલમાલ કે ખોટુ કરવામાં આવ્યું છે તે પ્રેસકોન્ફરન્સના માધ્યમથી સચોટ પુરાવા સહિત સાબિત કર્યું હતું અને વોટચોરીના નેક્સેસ સમગ્ર દેશ સમક્ષ ખુલ્લુ પાડ્યું હતું.
જનનાયક રાહુલ ગાંધી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી થતી વોટ ચોરીને ઉઘાડી પાડવામાં આવી છે. ચૂંટણી પંચની અનેક ગેરરીતિઓ લોકો વચ્ચે ઉજાગર કરવા અને વોટ ચોરીને અટકાવવાના ઉદ્દેશ્યથી એઆઈસીસીની સૂચના અનુસાર ગુજરાતમાં તારીખ ૩ થી ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ‘વોટ ચોર – ગાદી છોડ’ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશભરમાં આ સહી ઝુંબેશ દ્વારા 5 કરોડથી વધુ સહી એકત્ર કરીને ખરા અર્થમાં લોકતંત્રને બચાવવાની મુહિમ હાથ ધરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન તથા કાર્યકર્તાઓ આ ‘વોટ ચોર – ગાદી છોડ’ સહી ઝુંબેશમાં ખૂબ જ સક્રિય રૂપે જોડાઈને વોટ ચોરીને ખુલ્લી પાડશે.
કર્ણાટકની એક વિધાનસભાની જેમ ગુજરાતની એક વિધાનસભાની વિગતો પુરાવા, આંકડા અને આધાર સાથે રજુ કર્યા છે. રાજ્યના જાગૃત નાગરિકો આ બાબતે જાણે અને સમજે એ જરૂરી છે. લોકશાહી બચાવવા, જનતાનાં સંવિધાનિક અધિકારોની રક્ષા માટેની લડાઈમાં ગુજરાતનાં નાગરીકો જાગૃત નાગરીકોને જોડવા આહ્વાન કરીએ છીએ. વોટ ચોરોને ખુલ્લા પાડવા તમામ લોકો સાથે આવે અને રાજ્યના નાગરિકોના મતોનું સંરક્ષણ થાય એ જરૂરી છે. અમે એક એક પરિવાર સુધી પહોચી નકલી, ખોટા, શંકાસ્પદ મતદારોને શોધીશું.
સમગ્ર દેશમાં જનતા ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત તો છે, સાથે સાથે જે રીતે દેશમાં ભ્રસ્ટાચાર થઇ રહ્યો છે, લૂંટ થઇ રહી છે, દરેક જગ્યા પર ચોરી થઇ રહી છે, પરંતુ વોટની ચોરી થતી હોય એવું ભારત દેશના ઇતિહાસમાં પહેલી વાર થઇ રહ્યું છે, કોંગ્રેસ પક્ષ ચુપ નહિ રહે આગામી દિવસોમાં રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા શ્રેત્રોની મતદાર યાદી ચકાસવામાં આવશે અને વર્ષ ૨૦૨૭ સુધીમાં તમામ યાદી ચકાસણી કરી વોટ ચોરોને ખુલ્લા પાડી ગુજરાતના મતદારોના અધિકારનું રક્ષણ કરીશું તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન અને કાર્યકર્તાઓ તા. ૩ થી ૧૦ ઓક્ટોબર દરમ્યાન આ ‘વોટ ચોર – ગાદી છોડ’ સહી ઝુંબેશમાં ખૂબ જ સક્રિય રૂપે જોડાઈને વોટ ચોરીને ખુલ્લી પાડીને કોંગ્રેસ પક્ષ લોકશાહી બચાવવા કટિબદ્ધ રહેશે.
પત્રકાર પરિષદમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સોનલબેન પટેલ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યશ્રી રાજેશભાઈ ગોહિલ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. હિરેનભાઈ બેંકર અને ડૉ. અમિત નાયક ઉપસ્થિત રહ્યાં હતાં.


