ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આવતીકાલ 3 ઓક્ટોબરને શુક્રવારે સાંજે બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. ગુજરાત ભાજપે આજે મોવડી મંડળના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં આવતીકાલ 3 ઓક્ટોબરના રોજ, ઉમેદવારી પત્ર ભરવા ઉપરાંત ભરાયેલા ઉમેદવારીપત્ર ચકાસવાનો દિવસ નક્કી કરાયો છે.
જ્યારે જરૂર પડ્યે 4 ઓક્ટોબરને શનિવારના રોજ ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભાજપના બંધારણ મુબજ નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે વિવિધ કક્ષાએ થઈને કુલ 224 મતદારો નોંધાયેલા છે.
વર્તમાન પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંતભાઈ આર પાટીલની પ્રમુખ તરીકેની ટર્મ પૂરી થઈ રહી છે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે ભાજપમાં કેટલાક નામ ચર્ચાઈ રહ્યાં છે. આ ચર્ચાતા નામ પૈકી ધારાસભ્ય, પૂર્વ પ્રધાનો, સંગઠનના પૂર્વ પદાધિકારીઓનો સમાવેશ થાય છે. જો કે આ બધા નામ છેલ્લા છ મહિનાથી ભાજપના કાર્યકરોના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યાં છે.
જાણો કયા કયા નામ ચર્ચાઈ રહ્યાં છે
1.ઉદય કાનગઢ ધારાસભ્ય
2. ડો. પ્રદ્યુમન વાજા ધારાસભ્ય
3 .મયંક નાયક રાજ્યસભા સાંસદ
4. જગદીશ પંચાલ, સહકાર-પ્રોટોકોલ પ્રધાન, ગુજરાતના સરકાર
5.દિનેશ મકવાણા અમદાવાદ પૂર્વના સંસદસભ્ય
6.જીતુ વાઘાણી ધારાસભ્ય, પૂર્વ પ્રદેશ પ્રમુખ
7.શંકર ચૌધરી, વિધાનસભા અધ્યક્ષ, પૂર્વ પ્રધાન
8.હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન, ગુજરાત સરકાર
9 દેવુસિંહ ચૌહાણ ખેડા સંસદ સભ્ય, પૂર્વ કેન્દ્રીય મંત્રી
10. વિનોદ ચાવડા કચ્છ સંસદસભ્ય, પ્રદેશ મહામંત્રી
ઉમેદવરી પત્ર સ્વીકારવાની તારીખ 3 ઓક્ટોબરના રોજ સવારના 11થી બપોરના 2 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. જ્યારે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણીનો સમય અને તારીખ 3 ઓક્ટોબરને શુક્રવારના રોજ બપોરના 3 થી 4 નક્કી કરવામાં આવ્યો છે. એક કરતા વધુ ઉમેદવારી પત્ર જો ભરાયેલ હોય અને કોઈને પરત ખેંચવું હોય તો 3 ઓક્ટોબરના રોજ સાંજે 5 થી 5.30 સુધીમાં પરત ખેંચી શકાશે. નવા પ્રદેશ પ્રમુખ માટે જાહેર કરાયેલ આટલી ચૂંટણી પ્રક્રીયા બાદ પણ જો ચૂંટણીની જરૂર પડે તો 4 ઓક્ટોબરના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધીમાં યોજવામાં આવશે તેમ ચૂંટણી કાર્યક્રમમાં જાહેર કરાયું છે. જો કે, ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટેની ચૂંટણી માટે હોદ્દાની રૂએ કુલ 224 મતદારો નક્કી કરવામાં આવ્યા છે.
