ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરુચમાં આવતીકાલે ₹૩૮૧ કરોડના ડ્રગ્સનો નાશ કરાશે
એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)નો થશે પ્રારંભ, ‘મેન્ટર પ્રોજેક્ટ’ અને ‘માનસ હેલ્પલાઇન’ને બનાવાશે વધુ સઘન
રાવણ દહનની જેમ ડ્રગ્સ રૂપી બુરાઈનું પણ દહન
ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૯૨ પોલીસ જવાનોનું કરાશે સન્માન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ‘નશા-મુક્ત ગુજરાત’ સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી આવતીકાલે, શુક્રવાર, તારીખ ૩ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ભરૂચ ખાતે એક મોટા ડ્રગ્સ નાબુદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા ૪૪૨ ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹૩૮૧ કરોડથી વધુની કિંમતના, ૮,૦૦૦ કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવશે.
જે રીતે તાજેતરમાં વિજયા દશમીના પર્વ પર રાવણ રૂપી બુરાઈનું દહન કરવામાં આવ્યું, તે જ રીતે સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સ રૂપી દાનવનું દહન કરીને ગુજરાત સરકાર નશા વિરોધી અભિયાન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના ‘ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા’ના આહ્વાન અને ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અંતર્ગત આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત પણ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે ગુજરાતમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)નો વિધિવત પ્રારંભ કરાશે. ગાંધીનગરમાં મુખ્ય મથક અને ૬ ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં ૨૧૩ જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.
આ ઉપરાંત, રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ ને વધુ સઘન બનાવવાની જાહેરાત કરાશે, જે અંતર્ગત જામીન પર છૂટેલા ૨૬૪૦ જેટલા નાર્કોટિક્સના આરોપીઓ પર ૧૯૭૮ પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
જનભાગીદારી વધારવા માટે કેન્દ્ર સરકારની ‘માનસ’ હેલ્પલાઇન નંબર ૧૯૩૩ ને ગુજરાતમાં વધુ અસરકારક બનાવવાની સાથે, તેના પર આવતી માહિતી સીધી જ મંત્રીશ્રીના કાર્યાલયને મળે તેવી નવી સિસ્ટમની પણ જાહેરાત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ડ્રગ્સ સામેની લડાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને બિરદાવવામાં આવશે.
રાજ્ય સરકારની ‘રીવોર્ડ પોલીસી’ હેઠળ, ૭ મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર ૯૨ પોલીસ જવાનોને ₹૨૯.૬૭ લાખની ઇનામની રકમ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમ થકી રાજ્ય સરકાર ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપશે અને ‘નશા-મુક્ત ગુજરાત’ના નિર્માણ માટેના સંકલ્પને દોહરાવશે.