
અમદાવાદના ડી કેબિન વિસ્તારમાં ગીતાંજલિ ફ્લેટ પાસે એક કારચાલકે પૂરપાટ ઝડપે અકસ્માત સર્જ્યો હતો, જેના પગલે ભેગા થયેલા લોકોના ટોળાને ડરાવવા માટે ચાલકે પોતાની કારના સનરૂફમાંથી બહાર ઊભા થઈને હાથમાં છરી લહેરાવી હતી. જેથી રોષે ભરાયેલા સ્થાનિકોએ સામે ગાડી અને યુવક પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સાબરમતી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
સાબરમતી પોલીસે વીડિયોના આધારે ડીકેબીન વિસ્તારમાં રહેતા આરોપી ભાસ્કર વ્યાસની અટકાયત કરીને તેની પાસેથી છરી જપ્ત કરી હતી અને હથિયાર રાખવા બદલ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે. જોકે, આ ઘટનામાં વાહનોને નુકસાન થયું હોવા છતાં અને વીડિયો સોશિયલ મીડિયામાં બે દિવસથી ફરી રહ્યો હોવા છતાં, એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત સર્જવા અંગે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી.
મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા શહેરના ડીકેબીન વિસ્તારમાં આવેલા ગીતાંજલી ફ્લેટ પાસે રાત્રિના સમયે એક કારચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેણાંક વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. જેના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. પૂરપાટ ઝડપે કાર ચલાવી અને અકસ્માત સર્જ્યો હોવાના પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જેથી કારચાલકે તેની પાસે રહેલી છરી કાઢી ગાડીના સનરૂફનો દરવાજો ખોલી લોકોને ડરાવ્યા હતા જેથી લોકો દૂર જતા રહ્યા હતા. છરી બતાવી ડરાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેના પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
સાબરમતી પોલીસે આ સમગ્ર વીડિયો અંગે તપાસ કરતા ડીકેબીન વિસ્તારમાં હરિઓમ વિભાગ 1માં રહેતા ભાસ્કર વ્યાસ નામના વ્યક્તિનો વીડિયો હોવાનું સામે આવ્યું હતું. જેથી તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તેની અટકાયત કરી અને તેની પાસે તપાસ કરતા છરી મળી આવી હતી. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, ગીતાંજલિ ફ્લેટ પાસે અકસ્માત સર્જાયો હતો અને લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા જેથી પોતાની પાસે રહેલી છરી તેણે કાઢી હતી. છરી જેવા હથિયાર રાખવા પર પ્રતિબંધિત હોવા છતાં પણ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાના પગલે તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એન પટેલે જણાવ્યું હતું કે, સાબરમતી ડીકેબીન ખાતે ગીતાંજલિ ફ્લેટ નજીક અકસ્માત સર્જાયો હતો તે અંગે મારી પાસે કોઈ વર્ધી આવી નથી અને સોશિયલ મીડિયા મારફતે જાણ થતી હોય છે. અકસ્માત અંગેનો કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, સાબરમતી ડી-કેબીન વિસ્તારમાં ગીતાંજલિ ફ્લેટ નજીક અકસ્માત સર્જાયો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં બે દિવસથી ફરી રહ્યો છે. અકસ્માતની ઘટના બની હતી અને લોકો દ્વારા વીડિયો ઉતારી અને વાઇરલ પણ કરવામાં આવ્યો હતો. એક-બે વાહનને નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે તેમ છતાં પણ ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા જોવા મળી છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે તપાસ કરીને બે દિવસ બાદ પણ કોઈ ફરિયાદ નોંધવામાં કેમ નથી આવી તેવા અનેક સવાલો ઉભા થયા છે.