જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત ભાજપના પ્રમુખ

Spread the love

 

જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ. તેમણે વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું છે. તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. આ સાથે જ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કિરીટ સોલંકી, દિનેશ અનાવાડીયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રંજનબેન ભટ્ટ, ભરતસિંહ પરમાર, રજની પટેલ, વિનોદ ચાવડા, વેલજીભાઈ મસાણી, શંભુનાથ ટુંડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે, કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે.
ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બન્ને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઇ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય છે, જ્યારે વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે. અત્યારસુધીમાં ભાજપે કોઇ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એકસાથે બનાવ્યા નથી, તેથી આ કિસ્સો અપવાદરૂપ બને.
આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભત્વ જોતાં ભાજપે આ પસંદગી કરી છે. કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્ત્વ આપવું જરૂરી બન્યું છે.
ગઈકાલે 2 ઓક્ટોબરે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવ્યો છે. આજે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે. સવારે 11થી 2 વાગ્યા દરમિયાન પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરાશે. પ્રદેશ પ્રમુખની પસંદગી પ્રક્રિયા માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ જ નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરશે. આ સાથે જ ગુજરાત ભાજપને 11મા પ્રમુખ મળશે. ગુજરાત ભાજપના પ્રદેશ પરિષદના 292 સભ્ય પ્રદેશ પ્રમુખ વોટિંગથી પસંદગી કરશે. આ જ 292 સભ્ય રાષ્ટ્રીય પરિષદના 29 સભ્યની પણ પસંદગી કરશે. ઉલ્લેખનીય છે કે તમામ રાજ્યના રાષ્ટ્રીય પરિષદના સભ્યો રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરતા હોય છે.
ભાજપ દર 3 વર્ષે સંગઠનાત્મક ચૂંટણી કરાવે છે – સૌથી પહેલા બૂથ, મંડળ, જિલ્લા, ત્યાર બાદ રાજ્ય સ્તરે ચૂંટણી થાય છે. મોટા ભાગનાં રાજ્યોમાં (લગભગ 50% જેટલાં) આ ચૂંટણી પૂર્ણ થઈ જાય પછી જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય છે. અત્યારસુધીમાં 29 રાજ્યમાં આ ચૂંટણીપ્રકિયા થઈ છે, ગુજરાત 30મા નંબરે છે. આ ચૂંટણીપ્રકિયા સમગ્ર ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે.
ભાજપનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ OBC નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક મળી શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનારી મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 300થી વધારે લોકો મતદાન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *