પુંદ્રાસણ ચોકડી નજીક અકસ્માત, એકનું મોત, એક ગંભીર રીતે ઘાયલ

Spread the love

 

ગાંધીનગર-અડાલજ રોડ પર પુંદ્રાસણ ચોકડી નજીક ગઈકાલે(2 ઓક્ટોબર) રાત્રે આઇવા ટ્રક અને બાઇક વચ્ચે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પિન્ટુજી બલાજી ઠાકોર નામના બાઇક સવાર યુવકનું કરૂણ મોત થયું છે, જ્યારે તેનો મિત્ર હિમાંશુ ઠાકોર ગંભીર રીતે ઘાયલ થયો છે. માતેલા સાંઢની માફક ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી બાઇકને ટકકર મારતા આ દુર્ઘટના બની હતી. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના ટીંટોડા ગામના રહેવાસી અને ગિફ્ટ સિટીમાં પ્રાઇવેટ નોકરી કરતા હિમાંશુ ગોવિંદજી ઠાકોર અને તેનો મિત્ર પિન્ટુજી બલાજી ઠાકોર (રહે. ઉવારસદ) ગઈકાલે રાત્રે આશરે 12 વાગ્યાના અરસામાં બાઇક પર અડાલજથી ટીંટોડા તરફ જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના આશરે સાડા બારે પુંદ્રાસણ ચોકડી નજીક રોડની સાઈડમાં એક પીકઅપ ડાલું બંધ પડેલું હોવાથી હિમાંશુએ તેમનું મોટરસાયકલ સાઈડમાં લીધું હતું. તે જ સમયે સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે એક આઈવા ટ્રક ચાલકે પોતાનું ટ્રક હંકારી બાઈકને સ્ટેરીંગના ભાગે જોરદાર ટક્કર મારી હતી.અકસ્માત સર્જ્યા બાદ આઈવા ટ્રક ચાલક ટ્રક લઇને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
આ અકસ્માત સર્જાતા હિમાંશુ અને પિન્ટુજી બાઇક પરથી ઉછળીને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં હિમાંશુ ઠાકોરને જમણા હાથે ઇજાઓ થઈ હતી, જ્યારે પાછળ બેઠેલા તેના મિત્ર પિન્ટુજી ઠાકોરને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.બાદમાં હિમાંશુએ તરત જ તેના કાકા સંજયજી ઠાકોરને ફોન કરતાં તેઓ બે ગાડીઓ લઈને તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
બાદમાં બંને ઇજાગ્રસ્તોને પહેલા ગાંધીનગરની હાઇટેક હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પિન્ટુજી બલાજી ઠાકોરનું માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મૃત્યુ નીપજ્યું હતું . આ અંગે પેથાપુર પોલીસે આઈવા ટ્રકના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *