
ચિલોડા-દહેગામ હાઇવે ઉપર આવેલા ડભોડા ત્રણ રસ્તા પાસે ઇકો કાર ચાલકે તેની કાર ફૂલ સ્પિડમાં દોડાવતા ટ્રેક્ટર સાથે ટકરાવી દીધી હતુ. જેમાં ટ્રેલર એક તરફ ફંટાઇ ગયુ હતુ. જ્યારે ઇકો કારનો કુચડો થઇ ગયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકનુ મોત થયું હતુ. આ પહેલા કાર ચાલકે ચિલોડા નજીક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ બનાવને લઇ ટ્રેક્ટર ચાલકે કાર ચાલક સામે ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
મળતી માહિતી મુજબ રવિભાઇ વિષ્ણુભાઇ દંતાણી (રહે, વડોદરા, ઇન્દીરાનગર) ડ્રાઇવિંગ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ત્યારે તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગત રોજ રાતના સમયે તેનુ ટ્રેક્ટર નંબર જીજે 18 ઇઇ 5209 લઇને લેકાવાડા ગયા હતા અને ત્યાંથી પાલજ ઓવરબ્રિજ થઇ ડભોડા ત્રણ રસ્તા તરફ પસાર થઇ રહ્યા હતા.
તે દરમિયાન ઇકો કાર નંબર જીજે 18 એઝેડ 4315ના ચાલક મેહુલ કિરીટભાઇ જયસ્વાલ (રહે, મોટા ચિલોડા, ગાંધીનગર) તેની કાર પુરપાટ ઝડપે હંકારી લાવ્યો હતો.
કાર ટ્રેક્ટરની ટ્રોલી સાથે ટકરાવી દીધી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારની આગળના ભાગનો કુચડો બની ગયો હતો. જ્યારે ચાલક મેહુલનુ બનાવ સ્થળે જ મોત થઇ ગયુ હતુ. આ બનાવ બાદ આસપાસમાંથી લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરતા બનાવ સ્થળે દોડી આવતા બચાવ કાર્ય હાથ ધર્યુ હતુ.
જ્યારે અકસ્માતથી ટ્રેક્ટરની ટ્રોલીની દિશા બદલાઇ ગઇ હતી. આ અકસ્માત પહેલા કાર ચાલકે ચિલોડા પાસે એક બાઇકને ટક્કર મારી હતી અને બાદમાં તેનુ વાહન ફૂલ સ્પિડમાં ભગાડ્યુ હતુ. જોકે, અકસ્માતમાં બાઇક ચાલકનો બચાવ થયો હતો. આ બનાવની ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.