ગાંધીનગરના ઘ – 0 નજીક થારચાલકે બેફામ ગતિએ કાર હંકારી બાઈકને ટકકર મારી, બ્રેઇન હેમરેજ થતાં યુવકનું મોત

Spread the love

ગાંધીનગરમાં ગઈકાલે દશેરાની મધરાત્રે ઘ-0 નજીકના સર્વિસ રોડ પર થાર ગાડીના ચાલકે પોતાની ગાડી બેફામ ગતિએ હંકારીને બાઈકને જોરદાર ટકકર મારી હતી. આ અકસ્માતમાં ઝોમેટોના રાઇડરનું અકાળે મોત નીપજ્યું હતું. આ અંગે સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદ ખાતે રહેતા રમેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા નાનો દીકરો કિરણ મકવાણા (ઉં.વ. 20) ગાંધીનગરના સેક્ટર-15માં રહીને ઝોમેટોમાં રાઇડર તરીકે નોકરી કરતો હતો. ગઈકાલ દશેરાની મધરાત્રે કિરણ બાઇક લઈને સરગાસણ ચાર રસ્તાથી ચ-0 સર્કલ તરફ જઈ રહ્યો હતો. તે સમયે ઘ-0 સર્કલના સર્વિસ રોડ પર રિલાયન્સ સર્કલ તરફથી આવી રહેલી થાર ગાડી (નં. GJ-18-BP-2799)ના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કિરણના બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતના પગલે રાહદારી વાહનચાલકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત કિરણને 108 એમ્બ્યુલસ થકી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા કિરણ સાથે રહેતો તેનો મિત્ર યુવરાજ મછાર પણ સિવિલ દોડી ગયો હતો. જેણે કિરણના પિતા રમેશભાઈને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. પુત્રના અકસ્માતની જાણ થતાં રમેશભાઈ મકવાણા તાત્કાલિક દાહોદથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. જોકે, હોસ્પિટલમાં આવીને તેમને જાણ થયેલી કે, ગંભીર અકસ્માતના કારણે કિરણને શરીરે વધતી ઓછી ઇજાઓ થવા ઉપરાંત માથાના અંદરના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે કિરણનું મોત નીપજ્યું હતું. આ અંગે સેક્ટર 7 પોલીસે ગુની નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *