ગુજરાત હાઇકોર્ટે વાહન અકસ્માતમાં મૃત્યુના વળતર અંગે એક સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જે મુજબ હવેથી ‘લોસ ઓફ કોન્સોર્ટીયમ’ (પ્રેમ, હૂંફ અને સહવાસનું નુકસાન)ના શીર્ષક હેઠળ મૃતકના પરિવારના તમામ આશ્રિત સભ્યો વળતર મેળવવા માટે હકદાર ગણાશે. આ ચુકાદા દ્વારા હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના સ્થાપિત સિદ્ધાંતનું ચુસ્ત પાલન કરવાનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ નિશા એમ. ઠાકોરે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ મહત્ત્વના ચુકાદાની નકલ રાજ્યની તમામ મોટર વાહન અકસ્માત ટ્રિબ્યુનલો (MACT)માં ફરજિયાતપણે સર્ક્યુલેટ કરવા માટે હુકમ કર્યો છે, જેથી વળતર નક્કી કરવાની પ્રક્રિયામાં એકરૂપતા જળવાઈ રહે.
વીમા કંપનીની અરજી ફગાવી, મૃતકના પરિવારનું વળતર વધાર્યું
આ ચુકાદો ટાટા એઆઈજી જનરલ ઈન્શ્યોરન્સ કંપનીની એક રિટ અરજીને ફગાવતી વખતે આપવામાં આવ્યો હતો. આ કેસમાં અમદાવાદ (ગ્રામ્ય) MACT ટ્રિબ્યુનલે એક વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકની પત્ની અને બાળકોને રૂપિયા 55,37,476નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેને વીમા કંપનીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
જોકે, જસ્ટિસ નિશા એમ. ઠાકોરે વીમા કંપનીની અરજી માત્ર ફગાવી જ નહીં, પરંતુ ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરાયેલ વળતરની રકમમાં લગભગ દોઢ લાખ રૂપિયા જેટલો નોંધપાત્ર વધારો કર્યો. કોર્ટે હવે મૃતકના આશ્રિતોને કુલ રૂપિયા 56,82,676નું વળતર ચૂકવવા વીમા કંપનીને ફરમાન કર્યું છે.
શાકભાજીના વેપારીનું થયું હતું કરુણ મોત
મૃતકના આશ્રિતો તરફથી હાઈકોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે, મૃતક યુવક શાકભાજીના મોટાપાયે વેપાર સાથે સંકળાયેલો હતો અને ગત તારીખ 16-2-2020ના રોજ એક ગમખ્વાર અકસ્માતમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. આશ્રિતોએ ખાસ કરીને ‘લોસ ઓફ કોન્સોર્ટીયમ’ના શીર્ષક હેઠળ વધુ વળતરની માંગણી કરી હતી.
હાઈકોર્ટે આ દલીલને ગ્રાહ્ય રાખીને, પરિવારના તમામ આશ્રિત સભ્યોને ન્યાય મળે તે હેતુથી વળતરમાં વધારો કર્યો છે. આ ચુકાદો અકસ્માતનો ભોગ બનેલા પરિવારોને લાગણીસભર અને આર્થિક ન્યાય અપાવવા માટે એક ઉદાહરણરૂપ બનશે.