24 કલાક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર ખુલ્લું રહેશે

Spread the love

 

આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિકનું આયોજન ભારતમાં થવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે અમદાવાદમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. શહેરના ઓવરબ્રિજ નીચેના ભાગમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. રાણીપ GST રેલવે ઓવરબ્રિજ નીચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર બનાવવામાં આવ્યું છે. બોક્સ ક્રિકેટથી લઈને વિવિધ રમતો આ જગ્યા પર રમી શકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જગ્યા પરની રમતોના ભાવ નક્કી કરી દેવામાં આવ્યા છે. સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરને પીપીપી ધોરણે ચલાવવા આપવામાં આવશે. બોક્સ ક્રિકેટના 12 વ્યક્તિના એક કલાકના રૂ. 700 ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
શહેરમાં ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા GST રેલવે ઓવરબ્રિજ નીચે સ્થાનિક લોકો ઇન્ડોર અને આઉટડોર રમતો રમી શકે તેના માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર બનાવવામાં આવ્યું છે. રૂ. 2.70 કરોડના ખર્ચે ન્યુ રાણીપ તરફ 1770 સ્ક્વેર મીટર જગ્યામાં બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં બોક્સ ક્રિકેટ બનાવવામાં આવ્યું છે, જેમાં લોકો દિવસે અને રાત્રે કોઈપણ સમયે ક્રિકેટની મજા માણી શકશે. આજકાલ સૌથી વધારે પીકલ બોલ રમવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે પીકલ બોલ માટે પણ અલગથી જગ્યા બનાવવામાં આવી છે. ટેબલ ટેનીસ, કેરમ તથા અન્ય ઇન્ડોર ગેમ્સ લોકો રમી શકશે.
નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરીયા જેમાં (સોકેટ શેપ મલ્ટી પ્લે સ્ટેશન, કાવલીંગ ટનલ, મેરી ગોલ્ડ પ્લેટાફોર્મ તથા અન્ય સાધનો) બનાવવામાં આવ્યા છે. વહેલી સવારે લોકો યોગ કરી શકે તેના માટે યોગ માટેનો અલગ ભાગ પણ તૈયાર કરવામાં આવ્યો છે. સૂર્ય નમસ્કારથી લઈ અને વિવિધ પ્રકારના યોગ કરી શકે તેના માટે અલગથી આખો ભાગ ઉભો કરવામાં આવ્યો છે. માત્ર રમત-ગમત જ નહીં, પરંતુ જે લોકો સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં આવે તેમને ખાણીપીણીની ચીજ વસ્તુ મળી રહે તેના માટે ફુડ સ્ટોલ પણ બનાવવામાં આવ્યો છે.
થીમ બેઝ ડેકોરેટીવ સ્કલ્પચર, ડેકોરેટીવ ઇ.પી.ડી.એમ. ફ્લોરીંગ, ડેકોરેટીવ પેઇન્ટીંગ તથા લાઈટીંગ કરવામાં આવ્યું છે. લેન્ડસ્કેપ ગાર્ડન વીથ પ્લાન્ટેશન એન્ડ સેટિંગ અરેન્જમેન્ટ પણ કરવામાં આવેલું છે. સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં આવનારા લોકોને પાર્કિંગની પણ સુવિધા મળી રહે તે પ્રકારનું પાર્કિંગ પણ બનાવવામાં આવેલું છે. રાણીપ બલોલનગર તરફ બ્રિજના નીચેના ભાગે સિનિયર સિટીઝનોની માટે બેસવા અને ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. બ્રિજ નીચેની જગ્યાનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે તેના માટે આવા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર શહેરના અલગ-અલગ 8 જેટલા બ્રિજની નીચે બનાવવામાં આવનાર છે.
શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરને પીપીપી ધોરણે ચલાવવામાં આવશે, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ડોર અને આઉટડોર બંને ગેમ્સ માટેના ભાવ નક્કી કરી દેવામાં આવ્યા છે. વિવિધ રમતો માટે કોચિંગ પણ મેળવી શકાશે, જેના માટે નાગરિકોએ અલગ-અલગ રમતોની અલગ અલગ કોચિંગ ફી પણ ચૂકવવી પડશે. ખાનગી જગ્યાએ ચલાવવામાં આવતા બોક્સ ક્રિકેટના ભાવ પ્રતિ કલાકના 1,000થી લઈને 2000 સુધી હોય છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર રૂ.700 ભાવ રાખવામાં આવ્યો છે. જોકે, પીકલ બોલ રમતના ભાવ ખાનગી સ્પોર્ટસ સેન્ટર જેટલા જ રાખવામાં આવેલા છે. દિવસ અને રાત એમ 24 કલાક માટે આ સ્પોર્ટ એક્ટિવિટી સેન્ટર લોકો માટે ખુલ્લું રહે છે તે પ્રકારનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *