
તાજેતરમાં રાજ્ય સરકારે 17 નવા તાલુકાની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્ત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. 24 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલા નવા 17 તાલુકા બાદ હવે વિવિધ જિલ્લામાં આવેલાં કેટલાંક ગામોમાં તાલુકા અને સીમા બદલવાના પ્રસ્તાવને મંત્રીમંડળે મંજૂરી આપી છે તેમજ ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવ (ચીખલોડ)ના બદલે ‘ફાગવેલ’ રાખવા માટે પણ કેબિનેટ બેઠકે મંજૂરી આપી હતી. આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના મોટા ક્ષેત્રફળ ધરાવતા તાલુકાઓમાં ભૌગોલિક અંતરને કારણે નાગરિકોને વહીવટી કામો અર્થે તાલુકા મુખ્ય મથક પર આવવા-જવા માટે સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે. આ પરિસ્થિતિના ઉકેલ માટે અને પ્રજાને ત્વરીત સેવા મળી રહે, વિકાસની પ્રક્રિયા ઝડપી બને એ માટે રાજ્ય સરકાર દ્વારા 24 સપ્ટેમ્બરના જાહેરનામાથી ખેડા, સુરત અને મહીસાગર જિલ્લામાં અનુક્રમે ફાગવેલ, અરેઠ, ગોધર અને કોઠંબા તાલુકાની રચના કરવામાં આવી. આ નિર્ણયના સંદર્ભમાં કલેક્ટર અને સરકારને મળેલી વિવિધ રજૂઆતો, નાગરિકોની લાગણીઓ અને વહીવટી અનુકૂળતા ધ્યાને લઈ તાલુકાનાં ગામોમાં કેટલાક વાજબી ફેરફાર કરવામાં આવ્યા છે. કલેક્ટર સુરત, મહીસાગર અને ખેડા ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડીને આ નિર્ણય અમલી બનાવવામાં આવશે.
સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં 8 ગામમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા તાલુકા માળખા અનુસાર આ ગામોને વહીવટી રીતે નવી સીમામાં સામેલ કરવામાં આવ્યા છે. એ જ રીતે ખેડા જિલ્લામાં ફાગવેલ અને કપડવંજ તાલુકામાં કુલ 11 ગામમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા તાલુકાની રચનાને અનુરૂપ આ ગામોની વહીવટી COMમાં સુધારા કરાયા છે.
પંચમહાલ જિલ્લાના સંતરામપુર તાલુકામાં પણ મોટેપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. અહીં ત્રણ તાલુકામાં મળીને અંદાજે 20 જેટલાં ગામોના હદ વિસ્તારમાં ફેરફાર કરીને નવી રચના અમલમાં મૂકાઈ છે. મંત્રીમંડળે આ ફેરફારોને સૈદ્ધાંતિક મંજૂરી આપતાં હવે સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમલ માટેની પ્રક્રિયા હાથ ધરાશે. તાજેતરમાં જાહેર કરાયેલા નવા 17 તાલુકા બાદ અનેક વિસ્તારોમાંથી ગામોની હદ અંગે સ્થાનિક લોકો તરફથી રજૂઆત આવી હતી. આ રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકારે યોગ્ય સમીક્ષા બાદ ગામ ફેરફારને મંજૂરી આપી છે.
રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોને ધ્યાને લઈ બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે. વર્ષ 2013માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં નવા 23 તાલુકાની રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં 17 નવા તાલુકાની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે.
આ નિર્ણય સ્થાનિક સ્તરે શાસનને વધુ સરળ બનાવશે અને વહીવટી તંત્રની કાર્યક્ષમતામાં સુધારો થવાની શક્યતા છે. નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી નાગરિકોને સરકારી કામકાજ માટે દૂર સુધી જવું નહીં પડે, જેના પરિણામે સમય અને શક્તિ બંનેનો બચાવ થશે.
નોંધનીય છે કે ગુજરાતની સ્થાપના સમયે રાજ્યમાં 17 જિલ્લા હતા. ત્યાર બાદ સમયાંતરે નવા જિલ્લાઓ બન્યા હતા. રાજ્યમાં નવા જિલ્લામાં છેલ્લે વાવ-થરાદની વર્ષ 2025માં રચના થઈ હતી. વાવ-થરાદને બનાસકાંઠા જિલ્લામાંથી અલગ કરીને નવા જિલ્લા તરીકે રચના કરવામાં આવી હતી, જોકે એ વખતે અમદાવાદમાંથી વિરમગામ તેમજ મહેસાણા-ગાંધીનગરમાંથી વડનગર નવો જિલ્લો જાહેર થવાની સંભાવના હતી, પણ થઈ શકી નહોતી. આ પહેલાં વર્ષ 2013માં 7 નવા જિલ્લા અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મહીસાગર અને મોરબીની રચના કરવામાં આવી હતી.