
વિદેશમાં વર્ક પરમિટ પર જવાની લાલચ આપીને ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વિઝાના બહાને અમદાવાદ સ્થિત કન્સલ્ટન્સીના બે ભાગીદારોએ રૂ. 18.65 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ગાંધીનગર રેન્જ સીઆઈડી ક્રાઇમ પોલીસ મથકમાં દાખલ થઈ છે. ગાંધીનગરના સરગાસણ સ્વાગત ક્વીન્સલેન્ડમાં રહેતા આકાશ હર્ષદકુમાર પટેલે વર્ષ 2014માં ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકનો અભ્યાસ કર્યા બાદ અમદાવાદની એક કંપનીમાં ઓપરેશન મેનેજર (ટેકનિકલ) તરીકે નોકરી શરૂ કરી હતી. આ નોકરી દરમિયાન સાથે કામ કરતા સુમનભાઈ સુથાર મારફતે તેને વિદેશમાં વર્ક પરમિટ માટે દક્ષ કૈલાશગીરી ગોસ્વામીનો રેફરન્સ મળ્યો હતો.
બાદમાં આકાશે 12 ઓગસ્ટ, 2023ના રોજ દક્ષ ગોસ્વામીની પ્રહલાદનગર, અમદાવાદ સ્થિત ‘ટાઈટેનિયમ સીટી સેન્ટર’ ખાતેની કોર્પોરેટ ઓફિસમાં મુલાકાત લીધી હતી. જ્યાં પ્રોફાઇલ ચેક કર્યા બાદ દક્ષે તેને ન્યુઝીલેન્ડ ખાતે વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને ફાઈલ શરૂ કરી હતી. જે અંગે 17 ઓગસ્ટ, 2023ના રોજ એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. નક્કી થયા મુજબ આકાશે દક્ષ ગોસ્વામીના કહેવા મુજબ ચેક અને રોકડ સ્વરૂપે રકમ આપવાનું શરૂ કરી દીધું હતું. 5 ફેબ્રુઆરી, 2024ના રોજ આકાશને કીવી ફાર્મિંગ એન્ટરપ્રાઇઝ લિમિટેડનો ઓફર લેટર અને 19 ફેબ્રુઆરી, 2024ના રોજ ન્યૂઝીલેન્ડ વર્કવિઝા એપ્રુવલ લેટર મોકલી દક્ષે વિઝા આવી ગયા હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન દક્ષે પોતાની ફાઇલ અંગેના ફોલો-અપ માટે સુરતની ઓફિસ ચલાવતા દક્ષની ભાગીદાર આરોહી પટેલનો સંપર્ક કર્યો હતો. જોકે, જુલાઈ 2024માં આરોહી પટેલે આકાશને જણાવ્યું હતું કે, ન્યુઝીલેન્ડની પ્રોસેસ આગળ વધી રહી નથી. જેથી આકાશે ચૂકવેલી રકમને ધ્યાનમાં રાખીને આરોહી પટેલે એ જ રકમમાં ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝાની ફાઈલ કરી આપવાનું વચન આપ્યું હતું.
બાદમાં આકાશે તેના કહેવા મુજબ પીટીઇ પરીક્ષા પાસ કરી પીસીસી અને મેડિકલ પણ કરાવ્યું હતું અને દક્ષ ગોસ્વામી અને આરોહી પટેલને વિવિધ તારીખો પર ચેક, ફોન-પે, આરટીજીએસ અને રોકડ સ્વરૂપે કુલ રૂ. 18.65 લાખ ચૂકવી દીધા હતા. અને પોતાના વિઝા માટે ફોલો-અપ ચાલુ રાખ્યું હતું. આ દરિમયાન આકાશને ઇન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો જોવા મળ્યો હતો. જેમાં દક્ષ ગોસ્વામી સામે વિઝા અપાવવાના બહાને છેતરપિંડીનો ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો હોવાની માહિતી મળી હતી. જોકે, ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું અને દક્ષનો ફોન બંધ આવવા લાગ્યો હતો. જેના પગલે આકાશે આરોહી પટેલનો સંપર્ક કરીને પૈસા પાછા માંગ્યા તો તેણે પૈસા બાબતે મારી સાથે વાત નહિ કરવાની, તમે દક્ષ સાથે વાત કરી લો અને તમારે જે કંઈ કાયદેસર કરવું હોય તે કરી લો તેવો જવાબ આપી દેવાયો હતો. આ મામલે ગાંધીનગર રેન્જ સીઆઈડી ક્રાઈમ પોલીસે બંને ભાગીદારો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.