ગાંધીનગર
“આસો માસો શરદ પૂનમ, રાસ રમવાને આવો…” આ પંક્તિઓને સાર્થક કરતા વાતાવરણમાં, ગઈકાલે શરદપૂર્ણિમાની શીતળ ચાંદની રાત્રિએ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE)નો પરિસર ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યના એક અવિસ્મરણીય રાષ્ટ્રીય મહોત્સવ “શરદ સંસ્કૃતિ સંગમ ૨૦૨૫” નો સાક્ષી બન્યો. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના દ્રષ્ટિકોણ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના આદર્શોને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાના ઉમદા હેતુથી આ ભવ્ય કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન થયું.
આ મહોત્સવએ વિદ્યાર્થીઓ અને કલાપ્રેમીઓ માટે એક પ્રેરણાદાયી પ્લેટફોર્મ પૂરું પાડયું, જ્યાં IITEમાં અભ્યાસ કરતા ભારતના વિવિધ રાજ્યોના વિધાર્થીઓએ તેમની કલાઓ, સંસ્કૃતિઓ, પરંપરાઓ અને રહેણીકરણીની ઝાંખી કરાવતી ભવ્ય અને વિસ્તૃત પ્રદર્શની કરેલ. આ પ્રદર્શનીમાં દરેક રાજ્યના હસ્તકલા નમૂનાઓ, પોશાકો, લોકકલાના ચિત્રો અને ઐતિહાસિક તસવીરો મુકાઈ હતી, જેણે મુલાકાતીઓને વિવિધ પ્રદેશોની યાત્રાનો અનુભવ કરાવ્યો. તદુપરાંત IITEના વિધાર્થીઓ દ્વારા વિવિધ રાજ્યોની વિશિષ્ટ અને પરંપરાગત વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. અનેક સ્વાદિષ્ટ વ્યંજનોએ ઉપસ્થિત સૌ કોઈના સ્વાદપ્રેમને સંતોષ્યો. આટલું જ નહી, સાંસ્કૃતિક મંચ પર IITEના વિધાર્થીઓ દ્વારા વિવિધ રાજ્યોની વિશિષ્ટ કલાઓની જીવંત પ્રસ્તુતિઓ પણ કરવામાં આવેલ. જેણે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા અને ભારતની સમૃદ્ધ કલા વારસાનો પરિચય કરાવ્યો.ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી અંકિત ત્રિવેદીના જાણીતા ‘તરવરાટ ગ્રુપ’ દ્વારા ગરબાની ભવ્ય રમઝટ બોલાવવામાં આવી હતી. આ રાસોત્સવ કાર્યક્રમની મુખ્ય વિશેષતા હતી, જેમાં હજારોની સંખ્યામાં વિધાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓએ પરંપરાગત ગુજરાતી ગરબા અને રાસ રમીને શરદપૂર્ણિમાની રાત્રિને એક અવિસ્મરણીય ઉત્સવમાં ફેરવી દીધી હતી. સદર કાર્યક્રમમાં IITEના માનનીય કુલપતિ પ્રો. આર.સી. પટેલ, કુલસચિવશ્રી, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા સૌના પરિવાર જનો સહિત વિશાળ જનમેદનીએ આ કાર્યક્રમમાં સહભાગી બનીને તેને ઐતિહાસિક સફળતા અપાવી હતી.
“શરદ સંસ્કૃતિ સંગમ ૨૦૨૫” કાર્યક્રમ માત્ર એક સાંસ્કૃતિક મહોત્સવ જ નહોતો, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરવા, યુવાનોમાં રાષ્ટ્રીય એકતાની ભાવનાને દ્રઢ કરવા અને “વસુધૈવ કુટુમ્બકમ”ના સિદ્ધાંતને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનો એક પ્રેરણાદાયી પ્રયાસ હતો.

