અમદાવાદ
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે ‘પ્રતિજ્ઞા સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.અમદાવાદ કલેક્ટર શ્રી સુજીત કુમારની અધ્યક્ષતામાં આ સમારોહમાં ધારાસભ્ય શ્રી અમુલ ભટ્ટ, શ્રી દિનેશ કુશવાહા, શ્રી કિરીટસિંહ ડાભી, શ્રી હર્ષદ પટેલ, તેમજ સાંસદ શ્રી હસમુખ પટેલ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.આ પવિત્ર અવસરે, જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓએ સમૂહમાં ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.
આ પ્રતિજ્ઞામાં, એક નાગરિક તરીકે રાષ્ટ્ર માટે સમર્પિત રહેવું, સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવો, સમૃદ્ધ વારસાનું જતન કરવું અને જ્ઞાતિ-ધર્મના ભેદભાવથી મુક્ત રહીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા માટે ભારતની એકતા અને અખંડિતતા જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મન, વચન અને કર્મથી તત્પર રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. વળી, “હર ઘર સ્વદેશી, હર ઘર સ્વચ્છતા”ના મંત્ર દ્વારા આત્મનિર્ભર ભારતમાં શ્રેષ્ઠ યોગદાન આપવા અને ‘રાષ્ટ્ર પ્રથમ’ના જીવનમંત્ર સાથે દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન-ધનથી અવિરત પ્રયાસરત રહેવાની પ્રતિબદ્ધતાને સાર્થક કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓનું આ સામૂહિક પ્રતિજ્ઞા લેવું એ દર્શાવે છે કે તેઓ જનસેવાના મહાયજ્ઞમાં તેમની ભૂમિકા અને જવાબદારીને અત્યંત ગંભીરતાથી સમજે છે.વિકાસ સપ્તાહની ઉજવણી વિકાસના કાર્યોને વેગ આપવા અને પ્રજાના ઉત્કર્ષ માટેની તેમની નિષ્ઠાને નવી દિશા આપશે.
