કરુર નાસભાગ: વિજયે મૃતકોના સંબંધીઓ સાથે વાત કરી

Spread the love

 

અભિનેતા અને TVKના વડા વિજયે કરુર ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોનો વ્યક્તિગત રીતે સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, વિજય પહેલાથી જ ચારથી પાંચ પરિવારો સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી ચૂક્યો છે. અગાઉ 4 ઓક્ટોબરના રોજ, મદ્રાસ હાઈકોર્ટે કેસની સુનાવણી કરતી વખતે અભિનેતા અને પક્ષને ઠપકો આપ્યો હતો. જસ્ટિસ એન. સેન્થિલકુમારે કહ્યું,”ઘટના પછી TVK ઘટનાસ્થળેથી ચાલ્યો ગયો અને કોઈ માફી કે પસ્તાવો દર્શાવ્યો નહીં. પક્ષ ફક્ત આંખ આડા કાન કરીને જવાબદારી ટાળી શકે નહીં”.
દરમિયાન, ચેન્નઈના ભાજપ કાઉન્સિલર ઉમા આનંદને સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈ તપાસની માગણી કરતી અરજી દાખલ કરી છે. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચ 10 ઓક્ટોબરે આ અરજી પર સુનાવણી કરશે. હકીકતમાં, 27 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 41 લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ ઘાયલ થયા હતા. આ મામલાને લગતી સાત જાહેર હિતની અરજીઓ ન્યાયાધીશ એમ. ધનદાપાણી અને એમ. જોથિરામનની દશેરા વેકેશન બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવી હતી.
4 ઓક્ટોબરના રોજ મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે સીબીઆઈ તપાસની માગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. વધારાના વળતરની માગ કરતી અરજી પર સ્ટાલિન સરકારને નોટિસ પણ જારી કરી હતી. આ કેસમાં આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે. વધુમાં, મદ્રાસ હાઈકોર્ટે કરુર ભાગદોડની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. તેનું નેતૃત્વ તમિલનાડુ પોલીસ મહાનિરીક્ષક (IG) આસરા ગર્ગ કરી રહ્યા છે.
વિજય થાલાપતિએ 30 સપ્ટેમ્બરના રોજ એક વીડિયો બહાર પાડ્યો હતો. તેમાં વિજયે કહ્યું હતું કે, શું સીએમ સ્ટાલિન બદલો લેવાનો પ્રયાસ કરી રહ્યા છે? અમે કંઈ ખોટું કર્યું નથી. જો તમે બદલો લેવા માગતા હો, તો મારી પાસે આવો. હું તમને ઘરે અથવા ઓફિસમાં મળીશ. મારી પાર્ટીના અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે. હું સીએમને અપીલ કરું છું કે કૃપા કરીને મારા પાર્ટીના અધિકારીઓને નુકસાન ન પહોંચાડો.
તમિલગા વેત્રી કઝગમ (TVK)ના વડા અને અભિનેતા વિજયે 20 ઓક્ટોબર સુધી તમામ રાજકીય રેલીઓ મુલતવી રાખી છે, જેના કારણે તેમના રાજ્યવ્યાપી ચૂંટણી પ્રચાર પર રોક લાગી છે. TVKએ સોશિયલ મીડિયા પર તેની રેલીઓ પર કામચલાઉ સ્થગિતતા અંગે માહિતી પોસ્ટ કરી છે. વિજયની પાર્ટીએ મૃતકોના પરિવારો માટે ₹20 લાખની રાહત રકમની જાહેરાત કરી છે. દરમિયાન, TVKના મહાસચિવ આનંદ અને નિર્મલ કુમારની આગોતરા જામીન અરજીઓ પણ જસ્ટિસ જોથિરામનની સિંગલ બેન્ચ સમક્ષ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી હતી. જોકે, આ અરજીઓ પર સુનાવણી થઈ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *