અમદાવાદ
ગુજરાતમાં સતત બીજીવાર ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. 70મા ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે ટુરિઝમ કોર્પોરેશન અને વર્લ્ડ વાઈડ મીડિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મ ફેર એવોર્ડ આગામી 11 ઓક્ટોબરના રોજ અમદાવાદના મણિનગર ખાતેના ટ્રાન્સ્ટેડિયા ખાતે યોજાશે. જેના કારણે 11 ઓક્ટોબરે કાંકરિયા બંધ રહેશે.અમદાવાદના મણિનગરમાં ટ્રાન્સ્ટેડિયા ખાતે ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હોવાથી VIP મૂવમેન્ટ અને ટ્રાફિકના કા૨ણે કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવોર્ડ સમારોહમાં VIP મૂવમેન્ટને લઈને રોડ પર ટ્રાફિક સર્જાવાની શક્યતાઓને કારણે કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોલિવૂડના કલાકારો આ એવોર્ડમાં આવવાના હોવાથી ત્યાં કોઈ પણ જાતની ગેરરીતિ કે ટ્રાફિક અડચણો ઉભી ના થાય તે માટે કાંકરિયા બંધ રાખવામાં આવશે.
કાંકરિયામાં અન્ય પ્રવૃત્તિઓ પણ બંધ રખાશે
ફિલ્મ ફેર એવોર્ડને કા૨ણે કાંકરિયા તળાવ બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત કાંકરિયામાં કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય, નોકટર્નલ ઝૂ, બાલ વાટિકા,બટર ફ્લાય પાર્ક અને નગીના વાડી પણ શનિવારે બંધ રાખવામાં આવશે. અગાઉ ગિફ્ટ સિટી ખાતે 69મા ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે ફિલ્મ ફેર માટે થયેલા કરાર દરમિયાન અભિનેતા વિક્રાંત મેસ્સી અને કરણ જૌહર પણ ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ફિલ્મ ફેર સાથે કરાર કરવામાં આવ્યા હતાં.
