
બહિયલ વિસ્તારમાં થયેલા રમખાણો બાદ બુલડોઝર એક્શનની કાર્યવાહી પર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યંત આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “એક પણ દંગાઈને છોડવામાં નહીં આવે.” સંઘવીએ જણાવ્યું કે ગાંધીનગર પોલીસે દંગાઈઓના ગેરકાયદે દબાણોને તોડી પાડ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પોલીસ દ્વારા એક-એક આરોપીની ‘ક્રાઇમ કુંડળી’ શોષીને કડક પગલાં ભરવામાં આવશે.
આ કાર્યવાહીનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ પથ્થર તરફ નજર ના કરે અને રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરે. કડક આર્થિક અને કાયદાકીય પગલાં ગૃહમંત્રીએ માત્ર ગેરકાયદેસર બાંધકામો પર જ નહીં, પરંતુ દંગાઈઓ સામે આર્થિક મોરચે પણ કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમણે જાહેરાત કરી કે દબાણ હટાવવાનો ખર્ચ પણ આ દંગાઈઓ પાસેથી જ વસૂલવામાં આવશે. વધુમાં, સંઘવીએ જણાવ્યું કે પોલીસે આરોપીઓ પાસે આવક ક્યાંથી આવી તેની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીનો સ્પષ્ટ સંકેત છે કે સરકારે માત્ર ગુના માટે જ નહીં, પણ ગુનાને અંજામ આપવા પાછળના નાણાકીય સ્ત્રોતોને પણ લક્ષ્ય બનાવ્યા છે. ધર્મના નામે આવું કૃત્ય કરનારાઓ સામે રાજ્ય સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે.
શાંતિ અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા
હર્ષ સંઘવીનું નિવેદન દવિ છે કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈ સમાધાન કરવા તૈયાર નથી. બુલડોઝર એક્શન એ માત્ર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી નથી, પરંતુ ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ તત્ત્વોને કાયદાનો ડર બતાવવાનો પ્રયાસ છે. સંઘવીએ સ્પષ્ટ કર્યું કે સરકારનો સંદેશ સ્પષ્ટ છે: ધર્મના નામે અશાંતિ ફેલાવનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. શાંતિપૂર્ણ ગુજરાતમાં હિસા ફેલાવનારાઓ સામે આકરી કાર્યવાહી કરીને કાયદાનું શાસન સ્થાપિત કરવામાં આવશે.