સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર રાજ્યમાં ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ યોજાશે: ગૃહ રાજ્ય મંત્રી

Spread the love

 

તા. ૧ નવેમ્બરથી તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ સુધી જિલ્લા સ્તરીય પદયાત્રા અને તા. ૨૬ નવેમ્બરથી તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે

ગાંધીનગર, 10 ઓક્ટોબર (હિ.સ.): ભારતના લોહ પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સરદાર@૧૫૦, યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે.

જે અન્વયે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી.

આ બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનો અને નાગરિકોને સરદાર સાહેબના જીવન, કવન અને અખંડ ભારતના નિર્માણમાં તેમના યોગદાનથી પરિચિત કરાવવાનો તથા તેમના આદર્શોને જન-જન સુધી પહોંચાડવાના હેતુસર સરદાર@૧૫૦, યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૧ નવેમ્બરથી તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ સુધી જિલ્લા સ્તરીય પદયાત્રા અને તા. ૨૬ નવેમ્બરથી તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલે ૫૬૨થી વધુ રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તેમના આ અપ્રતિમ યોગદાનને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જ કર્યો હતો. એ જ સંકલ્પની સિદ્ધિનું પ્રતિક છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નિશ્ચયને કારણે આજે કેવડિયા ખાતે આવેલી આ પ્રતિમા માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે રાષ્ટ્રીય એકતા અને ગૌરવનું પ્રતિક બની છે. આ ‘યુનિટી માર્ચ’ એ જ શ્રદ્ધાંજલિની પરંપરાને આગળ વધારતું એક અભિયાન છે, જે યુવાનો દ્વારા, યુવાનો માટે આયોજિત અભિયાન થશે, તેમ ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેર્યું હતું.

‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ની રૂપરેખા વિશે સંઘવીએ જણાવ્યું હતું કે, તા. ૬ ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ડિજિટલી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત MY Bharat પોર્ટલ પર ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો માટે સોશિયલ મીડિયા રીલ સ્પર્ધા, નિબંધ લેખન અને ‘સરદાર@૧૫૦ યંગ લીડર્સ પ્રોગ્રામ ક્વિઝ’ જેવી ઓનલાઈન પ્રવૃત્તિઓ શરૂ થઈ ચૂકી છે. આ સ્પર્ધાના ૧૫૦ વિજેતાઓને રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાવવાની તક મળશે. આ માત્ર સ્પર્ધાઓ નથી, પરંતુ સરદારના વિચારોને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે.

વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે, તા. ૧ નવેમ્બરથી તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ સુધી જિલ્લા સ્તરીય પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત દરરોજ ૮થી ૧૦ કિલોમીટર સુધીની સતત ત્રણ દિવસીય પદયાત્રાઓ યોજાશે, જેનું નેતૃત્વ રાજ્યના મંત્રીઓ, સાંસદઓ અને ધારાસભ્યઓ કરશે. આ માત્ર પદયાત્રા નહીં, પરંતુ જન-જાગરણનો મહાયજ્ઞ હશે. જેમ સરદાર પટેલે રજવાડાઓને જોડીને એક ભારતનું નિર્માણ કર્યું હતું, તેમ આ પદયાત્રાઓ લોકોના દિલોને જોડવાનું કામ કરશે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, તા. ૨૬ નવેમ્બરથી તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા યોજાશે. સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી શરૂ કરીને એકતાના પ્રતીક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, કેવડિયા સુધી ૧૫૨ કિલોમીટરની ઐતિહાસિક પદયાત્રા યોજાશે. આ રાષ્ટ્રીય પદયાત્રામાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્યોના રાજ્યપાલઓ, મુખ્યમંત્રીઓ, ખેલાડીઓ, કલાકારો, પદ્મશ્રી, એવોર્ડ સન્માનિત મહાનુભાવો સહિત વિશિષ્ટ વ્યક્તિઓને જોડાવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ યાત્રામાં ‘યંગ લીડર્સ પ્રોગ્રામ’માંથી પસંદ થયેલા ૧૫૦ ઉત્કૃષ્ટ યુવા લીડર્સ અને દેશના દરેક જિલ્લામાંથી પસંદ થયેલા પ્રતિનિધિઓ ભાગ લેશે.

‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ વિશે વધુ વિગતો આપતા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, આ સમગ્ર બે મહિનાની ઉજવણી અને અભિયાનનું મુખ્ય આકર્ષણ પદયાત્રા રહેશે. ગુજરાતના દરેક જિલ્લામાં આયોજિત પદયાત્રાના ચોક્કસ રૂટ અને તારીખો જિલ્લા સ્તરે આગામી બેઠકોમાં નક્કી કરવામાં આવશે અને તેની જાણકારી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, આ દરેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની હશે અને તેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, NCC, NSSના કેડેટ્સ, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો અને સામાન્ય નાગરિકો જોડાશે. પદયાત્રા દરમિયાન યોગ શિબિર, સ્વાસ્થ્ય તપાસ કેમ્પ, સરદાર સાહેબના જીવન પર વ્યાખ્યાન, ચિત્રકામ સ્પર્ધા અને ‘નશા-મુક્ત ભારત’ જેવા સંકલ્પ લેવડાવવામાં આવશે. આ પદયાત્રા દરમિયાન રસ્તાઓ પર લઘુ ભારતનું દ્રશ્ય સર્જાશે, જ્યાં સ્થાનિક સંસ્કૃતિનું ગૌરવ પ્રદર્શિત થશે, જે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરશે.

ધારાસભ્ય વાઘાણીએ જણાવ્યું હતું કે, આ પદયાત્રા આપણને યાદ અપાવશે કે સ્વતંત્રતાનો સંઘર્ષ આત્મનિર્ભરતાના સંકલ્પથી જ જીતાયો હતો. આ યાત્રા દ્વારા યુવાનોમાં વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવશે. સરદાર પટેલે અલગ અલગ રજવાડાઓને જોડીને નકશા પર ભારતને એક કર્યું હતું. આમ વાઘાણીએ ‘હું પોતે સરદાર છું’, એવા ભાવ સાથે સૌ નાગરિકોને આ ‘યુનિટી માર્ચ’માં જોડાવવા માટે આહ્વાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *