
પંજાબના બરનાલામાં કરવાચોથ પાર્ટીમાં ડાન્સ કરતી વખતે એક મહિલાને અચાનક હાર્ટ-એટેક આવ્યો. તેઓ પડી ગયા અને તેમનું મૃત્યુ થયું. આ ઘટના કરવા ચોથની રાત્રે બની હતી, પરંતુ તેનો એક વીડિયો હવે સામે આવ્યો છે. મહિલાને હાર્ટ-એટેક આવ્યો એના થોડા સમય પહેલાં તે પંજાબી ગાયક હરભજન માનના ગીત ‘મૌજ મસ્તિયાં માર, પતા નહીં કી હોને, કલ સુબા નુ યાર, પતા નહીં કી હોને’ (મજા કરો, કોણ જાણે શું થશે, કોણ જાણે કાલે સવારે શું થશે) પર ડાન્સ કરી રહી હતી. હાર્ટ-એટેક આવ્યા પછી તરત જ તેના પતિ તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ કહ્યું કે તે પહેલાંથી જ મૃત્યુ પામી ચૂકી છે.
કરવાચોથની રાત્રે ખુલ્લા ફળિયામાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ડાન્સ ફ્લોર પણ ગોઠવવામાં આવ્યો હતો. ઘણી મહિલાઓ અને છોકરીઓએ પંજાબી ગીતો પર ડાન્સ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન એક મહિલા ડાન્સ કરતી જોઈ શકાય છે. પંજાબી ગાયક ગિપ્પી ગ્રેવાલનું ગીત “અખ લડ ગઈ” ડીજે પર વાગી રહ્યું હતું. આ દરમિયાન મહિલા ડાન્સ કરતી સમયે થોડી ઠોકર ખાતી જોવા મળે છે. તે પોતાને પડવાથી બચાવવા માટે નજીકમાં કંઈક પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ નજીકમાં કંઈ નથી. બીજી સ્ત્રીઓ ડાન્સ કરવામાં વ્યસ્ત છે, અને કોઈ તેના પર ધ્યાન આપતું નથી. થોડીવારમાં, તે મોઢાના બળે નીચે પડી જાય છે, ત્યાર બાદ અફરાતફરીનો માહોલ સર્જાય છે. મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. તેના મૃત્યુના સમાચારથી પરિવારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. તહેવારની બધી ખુશી છીનવાઈ ગઈ. બીજા દિવસે, મહિલાનો અંતિમ સંસ્કાર એક ભવ્ય સમારંભમાં કરવામાં આવ્યો.