
ઇટાલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરવામાં આવી રહી છે. ગાઝા પર શર્મ અલ-શેખ સમિટમાંથી લેવામાં આવેલી આ ક્લિપમાં શરીફ ટ્રમ્પને ટ્રિબ્યૂટ આપતાં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા હતા. આ દરમિયાન મેલોનીના આશ્ચર્ય અને અવિશ્વાસના મિશ્ર પ્રતિભાવે નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું. મેલોનીની પ્રતિક્રિયાથી ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સ તરફથી રિએક્શનનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. એક યુઝરે લખ્યું, “હું શું જોઈ રહ્યો છું? કોઈ મને અહીંથી બહાર કાઢો.” બીજા એક યુઝરે મજાકમાં કહ્યું કે જ્યારે શરીફ તેમની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે મેલોની અને બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર હસવાનું રોકવાની કોશિશ કરી રહ્યા હતા. જ્યારે શરીફ ટ્રમ્પનાં વખાણ કરી રહ્યા હતા ત્યારે ટ્રમ્પ તેમની જમણી બાજુ ઊભા હતા અને મેલોની અને યુકેના વડાપ્રધાન કીર સ્ટારમર તેમની પાછળ જ હતાં. જેમ જેમ શરીફે નોબેલ નોમિનેશનની જાહેરાત કરી, મેલોનીએ પોતાના મોં પર હાથ રાખી દીધો, પોતાની પ્રતિક્રિયા છુપાવવાનો પ્રયાસ કર્યો. હાથ નીચે કર્યા પછી પણ શરીફ ટ્રમ્પની પ્રશંસા કરતા રહ્યા ત્યારે તેમના રિએક્શન જોવા લાયક હતા. આ વાઇરલ મોમેન્ટ એ સમયે આવી, જ્યારે શિખર સંમેલનને સંબોધિત કરી રહેલા ટ્રમ્પે શરીફને બોલવા માટે આમંત્રણ આપતાં કહ્યું, શું તમે કશું કહેવા ઇચ્છો છો? એ જ કહો, જે તમે મને થોડા દિવસો પહેલાં કહ્યું હતું. શરીફે સ્પીચની શરૂઆતમાં જ ટ્રમ્પને શાંતિ પુરુષ ગણાવતાં તેમનાં વખાણ કર્યાં અને કહ્યું, આ કન્ટેમ્પરરી હિસ્ટ્રીના સૌથી મહાન દિવસોમાંથી એક છે, કેમ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની અઢળક કોશિશથી શાંતિ સ્થાપિત થઈ છે.