
ભારતીય મુળના અમેરિકન વિદેશ વિભાગના સીનિયર એડવાઈઝર એશ્લે ટેલિસની 12 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સીક્રેટ દસ્તાવેજો રાખવાનો અને ચીની અધિકારીઓ સાથે સીક્રેટ બેઠકો કરવાનો આરોપ છે. FBIએ 64 વર્ષીય ટેલિસના વર્જિનિયા સ્થિત ઘરેથી 1,000થી વધુ પાનાના સીક્રેટ દસ્તાવેજો જપ્ત કર્યા. જો તે દોષિત ઠરે તો તેમને 10 વર્ષની જેલ અને 2.5 લાખ ડોલર (આશરે રૂ. 2 કરોડ)નો દંડ થઈ શકે છે. ટેલિસનો કેસ વર્જિનિયાની કોર્ટમાં ચાલશે. આ કેસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલો હોવાથી તેમને જામીન મળવાની શક્યતા ઓછી છે.
ટેલિસ પાસે “ટોપ સિક્રેટ” સુરક્ષા મંજૂરી હતી, જેનાથી તેને સંવેદનશીલ માહિતીની ઍક્સેસ મળી હતી. જ્યારે હજુ સુધી તે સાબિત થયું નથી કે તેમણે ચીની અધિકારીઓને કોઈ દસ્તાવેજો સોંપ્યા હતા, પરંતુ આ મુલાકાતો જાસૂસીની શંકા ઉભી કરે છે. વર્જિનિયાના પૂર્વીય જિલ્લાના યુએસ એટર્ની લિન્ડસે હેલિગને જણાવ્યું, આ આરોપો અમેરિકન નાગરિકોની સલામતી માટે ગંભીર જોખમ છે. અમે કાયદાનો કડક અમલ કરીશું.
મુંબઈમાં જન્મેલા એશ્લે ટેલિસને અમેરિકાના અગ્રણી ડિફેન્સ એક્સપર્ટમાંના એક માનવામાં આવે છે. તેઓ 2001થી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના સલાહકાર છે. તેમણે 2008ના યુએસ-ભારત પરમાણુ કરારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બન્યા હતા. ટેલિસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશ અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ કામ કર્યુ છે. ઓગસ્ટમાં ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લાદવામાં આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા ટેલિસે કહ્યું હતું કે ટ્રમ્પને લાગે છે કે તેમને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો શ્રેય તેમને મળ્યો નથી.
2001થી, તેઓ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં એડવાઈઝર બન્યા. તેમણે પેન્ટાગોનના નેટ એસેસમેન્ટ ઓફિસ (હવે યુદ્ધ વિભાગ) માટે કામ કર્યું, જે એક થિંક ટેન્ક છે જે સુરક્ષા જોખમોનો અંદાજ લગાવે છે. કાર્નેગી થિંક ટેન્ક ખાતે ટાટા ચેરના સિનિયર ફેલો.