
બુધવારે સાંજે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા શરૂ કર્યા. અફઘાન મીડિયા અનુસાર, પાકિસ્તાની લડાકુ વિમાનોએ રાજધાની કાબુલ અને સ્પિન બોલ્ડકમાં બોમ્બમારો કર્યો. આ હુમલાઓમાં ડઝનબંધ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જવાબમાં, અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનના પેશાવરમાં ડ્રોન હુમલો કર્યો. આ હુમલામાં એક પ્લાઝાના એક રૂમને નિશાન બનાવવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનો ઉપયોગ ગુપ્તચર પ્રવૃત્તિઓ માટે ગુપ્ત કાર્યાલય તરીકે કરવામાં આવી રહ્યો હતો. આ હુમલાઓ બાદ, બંને દેશો 48 કલાકના સિઝફાયર માટે સંમત થયા છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ સિઝફાયર ભારતીય સમય મુજબ બુધવારે સાંજે 6:30 વાગ્યે અમલમાં આવ્યો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે બંને દેશો વાતચીત દ્વારા મુદ્દાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.
પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના કંદહાર ક્ષેત્રમાં હુમલા કર્યા હતા. સેનાએ જણાવ્યું હતું કે,”અફઘાન તાલિબાનના હુમલાના જવાબમાં, અમે તેમના સ્થાનો પર હુમલો કર્યો. મુખ્ય અફઘાન તાલિબાન ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે”. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલાઓમાં કંદહાર પ્રાંતમાં તાલિબાનની ચોથી બટાલિયન અને છઠ્ઠી બોર્ડર બ્રિગેડ સંપૂર્ણપણે નાશ પામી છે. ઘણા તાલિબાન લડવૈયાઓ અને વિદેશીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાને જણાવ્યું હતું કે તેની સેના કોઈપણ હુમલાનો જોરદાર જવાબ આપી શકે છે. અફઘાન તાલિબાને આ દાવાઓને નકારી કાઢ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આ પહેલા, મંગળવારે રાત્રે પાકિસ્તાની સુરક્ષા દળો અને અફઘાન તાલિબાન વચ્ચે ફરી અથડામણ થઈ હતી. અફઘાન તાલિબાનના પ્રવક્તા મૌલવી ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ આજે સવારે કંદહારના સ્પિન બોલ્ડક વિસ્તારમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં બાર નાગરિકો માર્યા ગયા હતા અને 100થી વધુ ઘાયલ થયા હતા. આજે સવારે, પાકિસ્તાની સૈન્યની મીડિયા શાખા (ISPR)એ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ બલુચિસ્તાન સરહદ પર અફઘાન તાલિબાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં આશરે 15થી 20 તાલિબાન સભ્યો માર્યા ગયા હતા. એક અઠવાડિયામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આ ત્રીજી મોટી અથડામણ છે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાને એકબીજાની લશ્કરી ચોકીઓ કબજે કરવાનો દાવો કર્યો છે. ટેન્કને નુકસાન થયાના અહેવાલો પણ છે. પાકિસ્તાની રાજ્ય મીડિયાએ તાલિબાન પર ઉશ્કેરણી વિના પહેલો ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો. દરમિયાન, અફઘાનિસ્તાન તરફી સોશિયલ મીડિયાએ દાવો કર્યો હતો કે અફઘાન સુરક્ષા દળોએ પાકિસ્તાનમાં એવા સ્થળોને નિશાન બનાવ્યા છે જે અફઘાનિસ્તાન માટે ખતરો છે. તેઓએ સાત પાકિસ્તાની સૈનિકોના મોતના અહેવાલ પણ આપ્યા હતા.
પાકિસ્તાની સૂત્રોએ દાવો કર્યો છે કે પાકિસ્તાની હુમલામાં ઘણી તાલિબાની ચોકીઓને ભારે નુકસાન થયું છે અને તેમની ચોકીઓમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે. પાકિસ્તાની પીટીવી ન્યૂઝે અહેવાલ આપ્યો કે “અફઘાન તાલિબાન અને ફિત્ના અલ-ખ્વારીજે કુર્રમમાં કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો. પાકિસ્તાની સેનાએ સંપૂર્ણ તાકાતથી જવાબ આપ્યો.” એવો દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાની જવાબી ગોળીબારમાં તાલિબાન ટેન્કનો નાશ થયો હતો, જેના કારણે હુમલાખોરોને તેમના સ્થાનો છોડીને વિસ્તાર છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. દરમિયાન, કાબુલે દાવો કર્યો હતો કે તે તેના હવાઈ ક્ષેત્ર અને સાર્વભૌમત્વના ઉલ્લંઘનનો જવાબ આપી રહ્યું છે.
અફઘાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે સવારે 8 વાગ્યા સુધીમાં લડાઈ નિયંત્રણમાં આવી ગઈ હતી. દરમિયાન, અફઘાનિસ્તાનમાં TTPના બે જૂથોએ પાકિસ્તાન સામે એકીકરણની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ જાહેરાત કરી છે કે તેના બે જૂથો મર્જ થઈ રહ્યા છે. એકનું નેતૃત્વ કુર્રમ જિલ્લાના મુફ્તી અબ્દુર રહેમાન અને બીજાનું નેતૃત્વ ખૈબર જિલ્લાના તિરાહ ખીણના કમાન્ડર શેર ખાન કરી રહ્યા છે. બંને કમાન્ડરોએ TTP પ્રત્યે વફાદારી દાખવી છે. અફઘાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે સવારે 8 વાગ્યા સુધીમાં લડાઈ નિયંત્રણમાં આવી ગઈ હતી. દરમિયાન, અફઘાનિસ્તાનમાં TTPના બે જૂથોએ પાકિસ્તાન સામે એકીકરણની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ જાહેરાત કરી છે કે તેના બે જૂથો મર્જ થઈ રહ્યા છે. એકનું નેતૃત્વ કુર્રમ જિલ્લાના મુફ્તી અબ્દુર રહેમાન અને બીજાનું નેતૃત્વ ખૈબર જિલ્લાના તિરાહ ખીણના કમાન્ડર શેર ખાન કરી રહ્યા છે. બંને કમાન્ડરોએ TTP પ્રત્યે વફાદારી દાખવી છે.