
શોપિંગ માટેની જાણીતી એમેઝોન એપ્લિકેશન મારફતે અમદાવાદના યુવક તેના પરિવાર અને મિત્રએ મળીને સસ્તામાં ગોલ્ડ કોઈનની ઓફર જોઈને ગોલ્ડ કોઇન ખરીદવા 12.36 લાખ રૂપિયા ભર્યા હતા.બજાર કરતા સોનાના 5 ગ્રામના ભાવમાં 10 હજારનો ફાયદો જોઈને બુકિંગ કરાવ્યું હતું પરંતુ ડિલિવરી મળી જ નહોતી.એપ્લિકેશનમાં બુકિંગના એક મહિના અગાઉ જ ડિલિવરી થઈ હોવાનું બતાવતા હતા.યુવકે આ અંગે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જમાલપુર વિસ્તારમાં આવેલા જુના વણકરવાસમાં રહેતા ફિરોજ ટાટાવાલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરૂદ્ધ 12.60 લાખની ચિંટીગની ફરિયાદ કરી છે. ફિરોજ સંયુક્ત પરિવારમાં રહે છે અને આસ્ટોડીયા જ્યુસ સેન્ટરમાં નોકરી કરીને ગુજરાન ચલાવે છે. ફિરોજ છેલ્લા ચાર વર્ષથી એમેઝોન કંપનીમાં પ્રાઈમ મેમ્બર છે અને જેનું મેમ્બર કાર્ડ પણ આપવામાં આવ્યુ છે. પ્રાઈમ મેમ્બર હોવાથી ફિરોજ ઈ-કોર્મસ વેબસાઈટ એમેઝોન પર જે ચીજવસ્તુઓનો ઓર્ડર કરે તે વહેલો મળી જાય છે. થોડા સમય પહેલા ફિરોજે પ્રાઈમ મેમ્બર બનવા માટે એમેઝોન કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો અને તેમા સામેથી જણાવ્યુ હતું કે જો તમે કંપનીમાં પ્રાઈમ મેમ્બર બનશો તો તમે આપેલી ઓર્ડરની ડીલીવરી વહેલી મળી જશે.એમેઝોન કંપની તરફથી ફિરોજને આઈસીઆઈસીઆઈનું ક્રેડીટકાર્ડ મળ્યુ હતું. ફિરોજ પ્રાઈમ મેમ્બર બનવા માટે દરવર્ષે 1500 રૂપિયા પણ ચુકવે છે. 25 માર્ચના રોજ એમેઝોન પર એક જાહેરાત આવી હતી હતી જે સુપર સાયલીયમ પેઢીની વેજ જ્વેલર્સની હતી. જાહેરાતમાં જણાવ્યુ હતું કે સોનાનો એક કોઈન પાંચ ગ્રામનો 35 હજારની કિંમતનો છે. બજારમાં પાંચ ગ્રામનો ભાવ 45 હજાર રૂપિયા હોય જેથી વેજે જ્વેલર્સથી ગોલ્ડ કોઈન ખરીદવાનું નક્કી કર્યુ હતું.
ફિરોજે 10 ગોલ્ડ કોઈન એમેઝોનથી ખરીદી કર્યા હતા જેની કિંમત 3.50 લાખ રૂપિયા હતી. ક્રેડીટ કાર્ડથી ફિરોજે પેમેન્ટ કર્યુ હતું જેનો ઓર્ડર નંબર અને બીલ પણ મળ્યુ હતું. બીજા દિવસે ગોલ્ડ કોઈનની ડીલીવરી થશે તેવો મેસેજ પણ આવ્યો હતો. બીજા દિવસે ગોલ્ડ કોઈન નહી આવતા તેને મોબાઈલમાં ટ્રેકીગ આઈડી ચેક કર્યો હતો.ટ્રેકીગ આઈડી ચેક કરતા ડીલીવરી થઈ ગઈ હોવાનું બતાવ્યું હતું. ફિરોજે ચેક કરતા તેને જાણવા મળ્યુ હતું કે ડીલીવરી બેંગ્લોર થઈ છે. ફિરોજને કઈંક ગડબડ લાગતા તેણે એમેઝોનના કસ્ટર કેર પર ફોન કરીને ઓર્ડર કેન્સલ કરીને રૂપિયા પરત માંગી લીધા હતા. એમેઝોનના કસ્ટમર કેરમાંથી ઉડાઉ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે હાલ ઓર્ડર કેન્સલ થશે નહી. તમે ત્રણ દિવસ પછી કોલ કરજો. ફિરોજને એમેઝોનના કસ્ટમર કેર તરફથી ગોળગોળ જવાબ આપવામાં આવતો હતો. ઉપરી અધિકારીઓને વાત કરો, સેલર સાથે વાત કરીને જણાવીશુ તેમ કહીને ફિરોજને જવાબ આપતા હતા. કસ્ટમર કેર તરફથી કોઈ યોગ્ય જવાબ નહી આપતા ફિરોજ સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યુ હતું. ફિરોજે 3.50 લાખ રૂપિયાના 10 ગોલ્ડ કોઈન ખરીદી કર્યા હતા જ્યારે તેની પત્ની તયસ્સરાએ પણ ક્રેડીટકાર્ડથી 70 હજારના બે ગોલ્ડ કોઇન ખરીદ્યા હતા. તયસ્સરાએ પણ જે ગોલ્ડ કોઈન ખરીદી કરી તેમાં પણ ખોટુ ટ્રેકીગ રીપોર્ટ આવેલો હતો. ફિરોજના મિત્ર અસ્ફાકે પણ 4.90 લાખની કિંમતના 14 ગોલ્ડ કોઈન ખરીદી કરી હતી. જેનું પેમેન્ટ પણ ક્રેડીટકાર્ડથી થયુ હતું અને તેમા પણ ખોટા ટ્રેકીગ રીપોર્ટ આવ્યા હતા. ફિરોજના પિતા રમજાનીએ પણ 3.50 લાખની કિંમતના 10 ગોલ્ડ કોઈન ખરીદી કર્યા હતા, જેમા પણ ચિંટીગ થઈ ગયુ હતું.