
ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ની વેબસાઈટ આજે ફરી એક વાર ટેકનિકલ ખામીના કારણે ઠપ્પ થઈ જતા ઓનલાઈન ટીકીટ બુક કરાવવાની કોશિશ કરી રહેલા યાત્રીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ખરેખર તો દરરોજ સવારે 10 વાગ્યે આઈઆરસીટીસીની વેબસાઈટ પર એસી શ્રેણીની તત્કાલ ટીકીટ બુકીંગ શરૂ થાય છે, જયારે નોન એસી ટીકીટનું બુકીંગ 11 વાગ્યે ખુલે છે. આવતીકાલે શનિવારે ધનતેરસના દિવસે યાત્રા માટે આજે તત્કાલ ટીકીટ બુકીંગનો સમય હતો પરંતુ વેબસાઈટ ડાઉન હોવાથી યાત્રીઓની આશા પર પાણી ફરી વળ્યું હતું. જે લોકોએ તહેવારોમાં ઘર જવા માટે ટીકીટ બુક કરાવવાનો પ્લાન કર્યો હતો તેમને નિરાશા હાથ લાગી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતીય રેલ્વેની ટીકીટ બુકીંગ માટે એક માત્ર અધિકૃત પ્લેટફોર્મ આઈઆરસીટીસીની વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી રોજ લગભગ 12.5 લાખ ટીકીટો બુક થાય છે. રેલ્વેની કુલ ટીકીટના બુકીંગમાંથી લગભગ 84 ટકા બુકીંગ આઈઆરસીટીસીની વેબસાઈટ અને મોબાઈલ એપના માધ્યમથી થાય છે. ગુરૂવારે આઈઆરસીટીસીનો શેર સવારે 11 વાગ્યા સુધી બીએસઈ પર 0.28 ટકાના ઘટાડા સાથે 717.05 રૂપિયાના સ્તર પર ટ્રેડ થયો હતો. જોકે છેલ્લા એક સપ્તાહમાં કંપનીના શેરમાં 0.34 ટકાની તેજી જોવા મળી છે. કંપનીનો માર્કેટ કેપ લગભગ 57,400.00 કરોડ રૂપિયા છે.