નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની શુભેચ્છકોને અભિનંદનના હોર્ડિંગ્સ કે બેનરોને બદલે જરૂરિયાતમંદ લોકોની સામાજિક સેવામાં યોગદાન આપીને તેમના જીવનમાં પ્રકાશ ફેલાવવાની અપીલ ….

Spread the love

અમદાવાદ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શ્રી હર્ષ સંઘવીએ શપથ લીધા બાદ તેમણે રાજ્યના નાગરિકો અને કાર્યકર્તાઓને એક હૃદયસ્પર્શી અપીલ કરી હતી. તેમણે શુભેચ્છા માટે પોતાના અભિનંદનના હોર્ડિંગ્સ કે બેનરો ન લગાવવા વિનંતી કરીને, તેના બદલે જરૂરિયાતમંદ લોકોની સામાજિક સેવામાં યોગદાન આપીને તેમના જીવનમાં પ્રકાશ ફેલાવવાની અપીલ કરી હતી.
શ્રી હર્ષ સંઘવીની આ નમ્ર અપીલનો એક સકારાત્મક અને ઉત્કૃષ્ટ પ્રતિભાવ મળ્યો હોવાનું એક બાબત ધ્યાને આવી છે. સુરત સ્થિત સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાને એક શુભેચ્છક તરફથી એક અનોખું દાન મળ્યું છે. આ દાતાશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપતા હોર્ડિંગ બેનર લગાવવાના બદલામાં, ૩૦ જરૂરિયાતમંદ લોકોની નેત્રની સર્જરી કરાવી આપવા માટે સંસ્થાને દાન પૂરું પાડ્યું છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ ઉમદા કાર્યને બિરદાવ્યું છે.
શ્રી હર્ષ સંઘવીની સંવેદનશીલ અપીલને પગલે થયેલા આ દાનથી સ્પષ્ટ થાય છે કે, સન્માનના બદલે સામાજિક કલ્યાણને પ્રાધાન્ય આપવાની વિચારધારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. એક તરફ જ્યાં શુભેચ્છાઓના હોર્ડિંગ્સ થોડા દિવસોમાં ઉતારી લેવાય છે, ત્યાં આ ૩૦ નેત્ર સર્જરી જરૂરિયાતમંદ લોકોના જીવનમાં કાયમી પ્રકાશ લાવશે. આ ઘટના સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે ‘શુભેચ્છા’ ખરા અર્થમાં ‘સેવા’ માં પરિવર્તિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *